ગાંધીનગર: ગાંધીનગર કલેકટર દ્વારા ગાંધીનગર અને કલોલ શહેરને કોરોના વાઇરસના સંક્રમણથી બચાવવા 17 મે સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. દહેગામ શહેરમાંથી અમદાવાદ અને ગાંધીનગર જવાવાળા લોકોની સંખ્યા વધારે છે. ત્યારે હાલમાં ગાંધીનગર અને અમદાવાદમાં મોટા પ્રમાણમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. અગમચેતીના ભાગરૂપે દહેગામ નગરપાલિકા દ્વારા પાલિકા વિસ્તારને 17 મે સુધી સંપૂર્ણ લોકડાઉન રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. દહેગામ શહેરમાં હાલ કોઇ એક્ટિવ કેસ નથી. પરંતુ વર્તમાન સમયને જોતા એવી શંકા છે કે, દહેગામ શહેરમાંથી અવરજવર કરતાં લોકોના કારણે કોરોના વાઇરસ પ્રવેશી શકે છે.
દહેગામ સહિત તાલુકામાં સંપૂર્ણ લોકડાઉન, દૂધના પાર્લર માત્ર સવાર-સાંજ ખુલશે - દહેગામમાં કોરોનાના કેસ
કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા ગાંધીનગર અને કલોલ શહેર સહિત સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારને આગામી 17 મે સુધી સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર હોસ્પિટલો, દવાની દુકાન અને દૂધ પાર્લર ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે સોમવારે બપોરના બાર વાગ્યાથી દહેગામ નગરપાલિકા વિસ્તારમાં પણ સંપૂર્ણ લોકડાઉનનો અમલ થશે. જેમાં દૂધના પાર્લર સવારે અને સાંજે માત્ર 6થી 9 સુધીમાં જ ખુલ્લા રાખવાનો આદેશ કરાયો છે.
બીજી તરફ ગઈકાલે રવિવાર હોવાના કારણે મોટાભાગની દુકાનો બંધ હતી, જ્યારે પરિપત્ર પણ ગઈકાલે જ કરાયો હતો. સોમવારે દુકાનો શરૂ થતાની સાથે જ દહેગામવાસીઓએ એક અઠવાડિયાની ખરીદી કરવા દોટ મૂકી હતી, તેને લઈને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ થતો હોય તેવું જોવા મળ્યું હતું. શહેર ઉપરાંત દહેગામ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ્ય વિસ્તારને પણ 17 મે સુધી સંપૂર્ણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. રખિયાલ ગ્રામ પંચાયત દ્વારા પણ રખિયાલ ગામની બજારોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.