ગાંધીનગર: રાજ્યમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જિલ્લાની અલગ અલગ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓએ પોતાના જિલ્લાની નજીક નોકરી મળે તે માટે ખાલી બેઠકો ઉપર અરજી કરી હતી. પરંતુ આ કર્મચારીઓની બદલી કર્યા વિના જ ખાલી જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા ગાંધીનગર સિવિલ કેમ્પસમાં આવેલી નેશનલ હેલ્થ મિશનની કચેરીએ ધરણા કર્યા હતા. રાજ્યમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા.
પૈસા નથી આપતા એટલે બદલી નથી થતી: કોમ્યુનિટી હેલ્થ ઓફીસર કર્મચારી - gandhingar
ગાંધીનગર નેશનલ હેલ્થ મિશન પ્રોજેક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની બદલી મુદ્દે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલી એન.એચ.એમની ઓફિસે ધરણાં ઉપર બેઠા હતા. રાજ્યના તમામ જિલ્લાના કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીઓ નહીં સંતોષાતા આંદોલન કરવાની ફરજ પડી હતી. કર્મચારીઓએ કહ્યું કે, પૈસા નથી આપતા એટલે અમારી બદલી થતી નથી, અગાઉ ત્રણ વખત બદલી કરવામાં આવી છે. જ્યારે અમારો સમય શરૂ થયો ત્યારબાદ આ પ્રક્રિયાને સ્થગિત કરી દીધી હતી અને નવી ભરતી શરૂ કરી છે.
દાહોદ જિલ્લામાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા દર્શન પટેલે કહ્યું કે, જિલ્લાની અલગ અલગ ઓફિસોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે એન.એમ. દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અગાઉ અનેક વખત અમે અમારી બદલી માટે રજૂઆત કરી હતી. તેમ છતાં અમારી બદલી કરવાને બદલે નવી જગ્યાઓ ભરવામાં આવી રહી છે. તે ઉપરાંત અમારા પહેલા ત્રણ વખત બદલી કેમ્પ કરી છે. પરંતુ જ્યારે અમારો સમયગાળો શરૂ થયો ત્યારબાદ જ નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં અમારો રોષ છે. અમારી માગણી છે કે, પહેલા અમારી બદલી કરવામાં આવે, ત્યાર બાદ ખાલી પડેલી જગ્યા ઉપર ભરતી કરવી જોઈએ. જ્યાં સુધી અમારી માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં.