ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં દરિયાઇ માર્ગેથી થતી માદક દ્રવ્યોની ઘુસણખોરી સહિત રાષ્ટ્ર-રાજ્ય વિરોધી ગતિવિધિઓને રોકવાની રાજ્ય સરકારની સ્પષ્ટ પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, આવી સમાજ વિરોધી પ્રવૃત્તિઓનું રૂપ રોજેરોજ બદલાતું રહે છે. પરંતુ તેની સામે સંપૂર્ણ સજાગતા સાથે ગુજરાતનું પોલીસદળ, કોસ્ટલ સિક્યુરિટી માટે સજ્જ છે તેને વિવિધ વિભાગોના પરસ્પર સંકલનથી વધુ સંગીન અને સુદ્રઢ બનાવ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પ્રથમવાર યોજાઇ રહેલી ઇન્ટરનલ સિક્યુરિટી, કોસ્ટલ સિક્યુરિટી રિવ્યુ અને પર્સપેક્ટિવની એક દિવસીય સંયુકત પરિષદના સમાપન અવસરે સંબોધન કરી રહ્યા હતા.
કયા વિભાગ જોડાયાં : ગૃહપ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં યોજાયેલી આ સંયુકત પરિષદમાં રાજ્યના દરિયાઇ વિસ્તારના જિલ્લાઓના પોલીસ અધિક્ષકશ્રીઓ, કલેકટરશ્રીઓ, ફિશરીઝ અને રેવન્યુના અધિકારીઓ તેમજ એટીએસ મરિન પોલીસ કમાન્ડોના અધિકારીઓએ સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ સ્ટ્રેટેજિક વિષયોની ચર્ચા-મંથન કર્યા હતા.
આ પણ વાંચો Netram Project : નેત્રમ, જેનાથી સરકારે કર્યું જેલોમાં દરોડાનું નિરીક્ષણ, એકસમયે અમિત શાહે કરી હતી આ ટિપ્પણી
પોલીસદળે ઝૂંબેશ આદરી છે : મુખ્યપ્રધાને આ પરિષદનું સમાપન કરાવતાં કહ્યું કે, રાજ્યના યુવાધનને નશાખોરી-માદક દ્રવ્યોને રવાડે ચડાવનારા તત્વો સામે પોલીસદળે ઝૂંબેશ આદરી છે તેના ખૂબ સારા પરિણામો મળ્યા છે. ‘‘આપણે દરિયાઇ સુરક્ષાને પણ એટલી જ અહેમિયત આપી ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયા કિનારાને આવી નાપાક ગતિવિધિઓથી પોલીસની સતર્કતાથી સુરક્ષિત રાખીને રાષ્ટ્રની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીએ છીએ.
ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોસ્ટલ સિક્યુરિટી અને ઇન્ટરનલ સિક્યુરિટી માટે સંબંધિત વિભાગો વચ્ચે પરસ્પર સંકલન વધુ સુદ્રઢ કરવા સાથે ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગની પણ હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. તેમાં કોઇ અડચણ ન આવે તે માટે પોલીસ દળ, સહિતના સંબંધિત તંત્રો અને સરકાર સાથે મળીને સતત કર્તવ્યરત છે.
ડ્રગ્સ પકડનાર અધિકારીઓનું સન્માન: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોલીસ દળને રાજ્ય-રાષ્ટ્રની દરિયાઇ સુરક્ષા-આંતરિક સલામતી માટે અદ્યતન સાધન સામગ્રી પણ જરૂરિયાત મુજબ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવાની નેમ આ તકે વ્યકત કરી હતી. ગુજરાત પોલીસની એ.ટી.એસ ના અધિકારીઓએ તાજેતરમાં એક વિદેશી બોટ દ્વારા એમડી ડ્રગ્સની મોટા પાયે થતી ઘૂસણખોરી પકડી પાડી તે માટે અધિકારીઓનું પ્રસંશાપત્રથી ગૌરવ સન્માન પણ કર્યુ હતું.
આ પણ વાંચો Harshad Mega Demolition Drive : હર્ષદ મેગા ડિમોલિશનમાં 250 બાંધકામ તોડાયાં, 4 કરોડની સરકારી જમીન દબાણમુક્ત
સારું કામ દીપી ઉઠે : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે, જે કાંઇ સારું કામ થાય છે તે દીપી ઉઠે છે અને તાજેતરમાં જેલ સર્ચ ઓપરેશન, ડ્રગ્સ સામેની ઝૂંબેશ વગેરે તેના ઉદાહરણો છે. તેમણે આ પરિષદમાં ઉપસ્થિત સૌ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે તેમની નજરમાં કયાંય પણ આવી રાષ્ટ્ર રાજ્યના હિત વિરોધી પ્રવૃત્તિ આવે તો તેને ઉગતી જ ડામી દેવાની કડક કાર્યવાહી થવી જરૂરી છે. સાથે જ સમાપન પ્રસંગે દરિયાઇ સુરક્ષા અને આંતરિક સુરક્ષાને સ્પર્શતી આવી પોલીસ, મહેસુલ, જિલ્લા કલેકટરેટ, ફિશરીઝ અને મરિન પોલીસ તથા એટીએસ સહિતની એજન્સીઓની સંયુકત પરિષદ પ્રથમવાર યોજીને રાજ્યની સુરક્ષા-સલામતિ સંગીન બનાવવાના અભિગમને બિરદાવવામાં આવ્યો હતો.