ગુજરાત

gujarat

ETV Bharat / state

74મા સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ CM વિજય રૂપાણી આપ્યો પ્રજા જોગ સંદેશ - વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ 74મા સ્વતંત્રતા પર્વે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનોને ગુર્જર ગિરાને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા પ્રતિબદ્ધ થવાનું આહવાન કર્યુ છે. ગુજરાતની વિકાસ યાત્રા કોરોના કાળમાં પણ અવિરત જારી રાખી ન રૂકના હૈ, ન ઝૂકના હૈ સુત્રને ચરિતાર્થ કર્યુ છે, તેમ ગૌરવપૂર્વક જણાવ્યું છે. રૂપાણીએ પડકારોને તકમાં પરિવર્તિત કરી ગુજરાત હોલિસ્ટીક ડેવલપમેન્ટ દ્વારા વિકાસ શબ્દનો પર્યાય બની ગયું છે, તેમ જણાવતા અંતરાયો-મુશ્કેલીઓ તકલીફો છતાં રાજ્યની વિકાસ યાત્રા તસુભાર પણ અટકવા નથી દેવી તેવો કોલ સ્વતંત્રતા પર્વના પ્રજા જોગ સંદેશમાં આપ્યો છે.

CM વિજય રૂપાણીનો પ્રજા જોગ સંદેશ
CM વિજય રૂપાણીનો પ્રજા જોગ સંદેશ

By

Published : Aug 14, 2020, 8:33 PM IST

Updated : Aug 15, 2020, 8:49 AM IST

ગાંધીનગર ખાતેથી સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રજા જોગ સંદેશ આપ્યો છે. તેમણે આ પ્રજા જોગ સંદેશમાં જણાવ્યું કે...

ગુજરાતના મારા વ્હાલા ભાઇઓ અને બહેનો...

આઝાદી પર્વની આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ...

સંપૂર્ણ દેશ 74મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે. એ આઝાદીના મૂળિયા જેમણે સીંચ્યા છે, એવા આઝાદીના તમામ લડવૈયાઓ, ક્રાંતિકારીઓ, અનેક નામી-અનામી એવા સૌ કોઈને આજના દિવસે પુણ્ય સ્મરણ કરીને, એ સૌને આજે વંદન કરીએ છીએ.

વર્ષોનાં વર્ષો અવિરત સંઘર્ષ કરીને, બ્રિટિશરોની લાઠીઓ ખાઈ-ખાઈને, ગોળીઓ ઝીલી-ઝીલીને ફાંસીના તખ્તા ઉપર ચઢીને આ મહામૂલી આઝાદી અપાવી છે. ખુદીરામ બોઝ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, વીર સાવરકર, મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ-એવા અનેક લોકોએ આઝાદીની લડતનું નેતૃત્વ કરીને બ્રિટિશરો સામે લડતા-લડતા આપણને આ આઝાદી અપાવી છે.

74મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM વિજય રૂપાણી આપ્યો પ્રજા જોગ સંદેશ

દેશ માટે મરી ફીટનાર, જાન કુરબાન કરનારા, સૌ કોઈને નમન કરવાનો- યાદ કરવાનો આ અવસર છે.

આઝાદી સંગ્રામવેળાએ પૂજ્ય મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજો સામે દેશવ્યાપી અહિંસક ચળવળ-સત્યાગ્રહનો જુવાળ જાગેલો. આજે કોરોનાની મહામારી સામે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશવ્યાપી ચળવળ જાગી છે. જનજાગૃતિની અને સારી આદતોની, સ્વચ્છાગ્રહની આ ચળવળ જાગી છે. આપણે સૌ એક બની, નેક બની સારી આદતો કેળવીએ અને આ સંક્રમણને રોકવા માસ્કનો ઉપયોગ કરવો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, હાથને વારંવાર સેનિટાઇઝ કરવા અને કોરોના સામેનો પણ સંગ્રામ જીતવાનો છે.

સ્વાભાવિક છે કે, આઝાદીના આ પર્વની ઉજવણીનો આનંદ-હરખ આપણને સૌને ખૂબ જ હોય, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે સ્થિતિ થોડી અલગ છે. ભીડ એકત્રિત ન થાય, મેળાવડો કે ઉત્સવો કરી નથી શકતા. તો કોરોનાના સંક્રમણની શકયતાઓ ભીડને કારણે વધી જાય અને વધુ લોકોના જાન જોખમમાં આવી જાય. એટલા માટે, આ વખતે 74મું સ્વાતંત્ર્ય પર્વ મર્યાદિત સંખ્યામાં મર્યાદિત કાર્યક્રમ કરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવવાનું નક્કી કર્યુ છે.

અંતરાયો-મુશ્કેલીઓ તકલીફો છતાં રાજ્યની વિકાસ યાત્રા તસુભાર પણ અટકવા નથી દેવી તેવો કોલ સ્વતંત્રતા પર્વના પ્રજા જોગ સંદેશમાં આપ્યો

સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સ) જરૂર છે, પરંતુ દેશ આખો અંબાજીથી આસનસોલ, દ્વારકાથી દીબ્રૂગઢ, કચ્છથી ગુવાહાટી, કાશ્મીરથી કન્યાકુમારી સુધી સ્વતંત્રતાનું આ પર્વ સામાજિક એકતાની તાકાતથી ઉજવી રહ્યો છે.

બ્રિટિશરોને ગાંધીજીના નેતૃત્વમાં સૌએ ચળવળ ચલાવીને દેશવટો આપેલો. હવે આપણે સૌ સ્વતંત્ર તો થયા, પરંતુ હવે દેશને આઝાદી મળી, સ્વરાજ્ય મળ્યું, હવે સુરાજ્ય માટે આપણે આગળ વધવાનું છે અને હવે આ કોરોનાને પણ દેશવટો આપવાનો છે. ‘હારશે કોરોના, જીતશે ગુજરાત’ એ મંત્ર સૌએ સાકાર કરવાનો છે.

આજથી સાત દાયકા પૂર્વે આઝાદીનો જંગ જીતીને સ્વરાજ્ય મળ્યું છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડીએ સ્વરાજ્ય અપાવ્યું. હવે નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ તેમના નેતૃત્વમાં આજે દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે સુરાજ્યની દિશામાં વિકાસશીલ ભારત, આત્મનિર્ભર ભારત બનાવવા તરફ આપણે જઈ રહ્યા છીએ.

કોરોનાના સંક્રમણને કારણે આપણી વિકાસયાત્રા જરૂર ધીમી થોડીક પડી હશે, પરંતુ ‘ન રુકના હૈ... ન ઝૂકના હૈ... વિકાસ કી ઔર આગે હી આગે બઢના હૈ...’એ આપણો મંત્ર છે. ભૂકંપની વિપદા હોય, પૂરનો પ્રકોપ હોય, અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ હોય આવા સમયે ગુજરાત અને ગુજરાતીઓનું ખમીરે હંમેશાં આપત્તિને અવસરમાં પલટાવી છે. પડકારોને તકમાં પરિવર્તિત કર્યા છે.

કૃષિ હોય-ઉદ્યોગો હોય, સર્વિસ સેક્ટર હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય... હોલિસ્ટિક ડેવલપમેન્ટ- સર્વગ્રાહી અને સર્વાંગી વિકાસની પરિભાષા ગુજરાતે હંમેશાં દેશ અને દુનિયાને દેખાડી છે. કૃષિક્ષેત્રે હંમેશાં અગ્રેસર ગુજરાત રહ્યું છે. ગુજરાતમાં ખેડૂતોને સરકારે જગતના તાત ગણીને હંમેશાં એમના હિતને પ્રાધાન્ય આપેલું છે.

સોલાર વીજળીના આધાર ઉપર, સૂર્યશક્તિના આધાર ઉપર રૂફટોપ પૈકી આખા ભારતમાં એકલા 64 ટકા ગુજરાતમાં રૂફટોપ આપણે બનાવ્યાં છે. સોલારપાર્ક, વિન્ડપાર્ક - એના દ્વારા 30 હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાના સંકલ્પ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ.

ગુજરાતના સર્વગ્રાહી, વિશ્વવિકાસમાં ઉદ્યોગો અને ખાસ કરીને MSME- લઘુ ઉદ્યોગો એ બેકબોન–કરોડરજ્જુ સમાન છે. ‘પહેલા પ્રોડક્શન, પછી પરમિશન’ની નવતર નીતિના પરિણામે ગુજરાતમાં લઘુ, કુટિર, નાના ઉદ્યોગોને જબરદસ્ત પ્રોત્સાહન મળ્યું છે અને એના પરિણામે રોજગારી અને સ્વરોજગારની અનેક દિશાઓ ખુલ્લી રહી છે.

ઔદ્યોગિક વિકાસને વેગ આપવા, આત્મનિર્ભર ગુજરાતના નિર્માણની દિશામાં તાજેતરમાં જ આપણે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી 2020 ગુજરાતનું એક વધુ નવું આગવું કદમ છે. ગુજરાતે પાછલા વર્ષની સરખામણીમાં નાણાકીય વર્ષ 2019-20માં FDIના ઇનફ્લોમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં 240 ટકાનું સૌથી વધુ નેશનલ ઇન્ક્રિમેન્ટ મેળવ્યું છે.

ભારત સરકારની નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ દ્વારા જાહેર થયેલા સર્વે રિપોર્ટ પ્રમાણે, સમગ્ર દેશમાં ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો છે. બીજાં રાજ્યોમાં 20 - 25 ટકા છે. જ્યારે ગુજરાતમાં ઓછામાં ઓછો 3.4 ટકા છે. દેશના 43 ટકાથી વધુ સ્ટાર્ટઅપ એકલા ગુજરાતમાં છે. આમ, ગુજરાતમાં હોલિસ્ટિક ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ- સસ્ટેનેબલ રોલમોડેલ બન્યું છે.

કૃષિ, ઉદ્યોગ, વેપાર-રોજગાર કોઈ પણ ક્ષેત્રની વિકાસગાથાનો પાયો શિક્ષણ છે અને ગુજરાતનું દરેક બાળક શિક્ષિત બને-દિક્ષિત બને અને વિશ્વના પ્રવાહો સાથે કદમથી કદમ મિલાવીને ચાલે એવી આ સરકારની પ્રતિબદ્ધતા છે. મેડિકલ, એન્જિનિયરિંગ, ઉચ્ચ શિક્ષણની બેઠકોમાં પણ છેલ્લાં ત્રણ વર્ષમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. સાત નવી મેડિકલ કૉલેજો આપણે શરૂ કરી. 1970 જેટલી તબીબી બેઠકમાં વધારો આપણે કરી શક્યા છીએ. લગભગ બે હજાર બેઠકનો વધારો થયો. નવા ડૉક્ટરો બનશે. વનબંધુ વિસ્તારોમાં પણ મેડિકલ કૉલેજો શરૂ કરી. આદિજાતિના યુવાન પણ ડૉક્ટર બને અને ઘરઆંગણે સેવા કરવાની તક આપી છે.

ઉજ્જ્વલા યોજના અંતર્ગત 4 વર્ષમાં 28 લાખથી વધુ વંચિત પરિવારોને ગેસના કનેક્શન આપવામાં આવ્યા છે.

કોરોનાના કપરાકાળમાં પણ રાજ્ય સરકારે સંપૂર્ણ સમર્પણ અને તાકાતથી જન-જનના આરોગ્યની સુરક્ષા માટે દિવસરાત એક કરીને કાર્યરત્ રહ્યા છીએ. આપણે બધા જાણીએ છીએ આયુષ્માન ભારત યોજના એટલે રાજ્ય સરકારની માં અમૃતમ્ અને માં વાત્સલ્ય યોજના, આપણે ગરીબોને ઘરમાં કોઈ પણ લોકોને તકલીફ પડે, ઑપરેશન કરાવવાનાં હોય, તો હાથ લાંબો ન કરવો પડે. 3 લાખ રૂપિયાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આજે 60 લાખ પરિવારોને આનો લાભ આપણે આપી રહ્યા છીએ.

ગુજરાતમાં 19 માર્ચના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી પરિસ્થિતિને પામી જઈને ત્વરિત કામગીરી શરૂ કરી. ગણતરીના દિવસોમાં તો 4 મહાનગરોમાં તો 2,200 બેડની ક્ષમતાવાળી કોવિડ 19 ડેડિકેટેડ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. આ સાથે સાથે પ્રત્યેક જિલ્લામાં પણ 100 બેડની ક્ષમતાવાળી કોવિડ હોસ્પિટલો કાર્યરત્ કરી દેવામાં આવી છે.

ટૂંકાગાળામાં રાજ્યમાં 50 હજારથી વધુ પથારીની ક્ષમતા ધરાવતી સ્પેશિયલ કોવિડ હોસ્પિટલો, કોવિડ હાઈ સેન્ટરો, કોવિડ કેર સેન્ટરો કાર્યરત્ કરી દીધાં છે. સૌના પ્રયત્નોથી આજે જે મૃત્યુદર ગુજરાતમાં વધ્યો હતો, એને ઘટાડીને 2.1 ટકા જેટલો લાવીને આપણે મૃત્યુદરને કાબૂ કરી શક્યા છીએ.

ગુજરાતમાં કોરોનાના દર્દીઓ ઝડપથી સાજા થાય છે, પોતાના ઘરે પાછા જાય છે. ગુજરાતનો રિકવરી રેટ 77 ટકા સુધી પહોંચાડ્યો છે. રાજ્ય સરકારની કોરોના સામેની કામગીરીની સકારાત્મક નોંધ સુપ્રીમ કોર્ટ, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન, આઈઆઈએમના લોકોએ પણ લીધી છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને કોરોનાના હોટસ્પોટ હોય તેવા ગુજરાતના વિસ્તારોમાં સેવા આપતા 1100થી વધુ ધન્વંન્તરિ રથો-મોબાઇલ ડિસ્પેન્સરીની કામગીરીને બિરદાવી છે. એક મહિનામાં 52 લાખ લોકોને આ રથના માધ્યમથી ઘરેબેઠા ઓપીડીની સેવાઓ પૂરી પાડવામાં આવી છે. CM ડેશબોર્ડના માધ્યમથી રાજ્યના ખૂણેખૂણે સંપર્ક જાળવીને કોરોના વોરિયર્સને સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

લોકડાઉન બાદ રાજ્યની આર્થિક પ્રગતિને પુન: ચેતનવંતી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 14 હજાર કરોડ ઐતિહાસિક આત્મનિર્ભર ગુજરાત સહાય પૅકેજ પણ આપણે આપ્યું છે. એના પરિણામે, નાના વેપારી, કારીગરો, ખેડૂતો, પરંપરાગત કામ કરનારા લોકો, સાગરખેડૂઓ, આદિવાસી બાંધવો, પશુપાલકો તમામ શ્રમિકોનું આર્થિક સશક્તીકરણ કરવામાં આવ્યું છે.

રોજનું કમાઈને રોજનું ખાનારા વર્ગો, નાના વેપારી, સ્વરોજગારકારો- એ બધાને બેઠા કરવા માટે રૂપિયા બે-પાંચ હજાર નહીં, એક લાખ રૂપિયા સુધીની લોન, પણ માત્ર વાર્ષિક બે ટકાના વ્યાજે આપીને એક નવો ઇતિહાસ સર્જ્યો છે.

ભારતમાતાને જગતજનની, વિશ્વગુરુ બનાવવાની સાથે આપણી ગુર્જરગિરાને પણ ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની છે આપણે. ચાર અક્ષરનો શબ્દ ગુજરાત વિકાસ શબ્દનો પર્યાય બની ગયો છે. વિકાસ એ જ ગુજરાતની ઓળખ છે.

શ્રદ્ધેય અટલજીની પંક્તિઓ છે, ‘બાધાએ આતી હૈ તો આયે, ઘિરેં પ્રલયકી ઘોર ઘટાએ, પાંવો કે નીચે અંગારે, સિર પર બરસેં યદિ જ્વાલાએ, નિજ હાથોં મેં હંસતે-હંસતે, આગ લગાકર જલના હોગા, કદમ મિલાકર ચલના હોગા...

આવો, સ્વાતંત્ર પર્વના પાવન અવસરે આપણે સૌ સાથે મળીને આપણા ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા, સ્વાતંત્રવીરોએ આપેલા બલિદાનોને સપનાઓ કે જગતજનની બને ભારત માતા, એને આપણે પ્રાગટ્ય કરાવીએ.

નિષ્ઠાથી આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે, ભારતમાતાને જગતજનની બનાવીશું. પોતાના જીવની પરવા કર્યા વગર કોરોનાની મહામારીના કપરાકાળમાં જે તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, સુરક્ષાકર્મીઓ, સફાઈકર્મીઓ જવાંમર્દીપૂર્વક બીજાના માટે લડ્યા અને આ લડાઈમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા આ સૌ કોરોના વૉરિયર્સને આજના સ્વાતંત્રદિનના પર્વ નિમિત્તે હું શત્ શત્ નમન કરું છું.

સ્વરાજ્ય અપાવનારા સ્વાતંત્રવીરો, શહીદો અને સ્વસ્થ અને તંદુરસ્ત ગુજરાતના પહેરેગીરો એવા કોરોના વૉરિયર્સ, માં ભારતીની સુરક્ષા કરતાં જવાનો, બંધુ-ભગિનીઓ બાળકોને-સૌને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છાઓ...

જય જય ગરવી ગુજરાત...

ભારત માતા કી જય...

Last Updated : Aug 15, 2020, 8:49 AM IST

ABOUT THE AUTHOR

...view details