ગુજરાતના ચાર મહાનગરોના બજારો બંધ રહેશે, 25 માર્ચ સુધી બંધ રાખવાની અપાઇ સૂચના - CORONA effect in surat
છેલ્લા બે દિવસ પહેલા ગુજરાતમાં કોરોના વાઈરસના એક પણ કેસ હતા નહીં. પરંતુ છેલ્લા 2 દિવસની વાત કરવામાં આવે તો અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ જોવા મળ્યા અને આંકડો 15ની આસપાસ પહોંચી ગયો. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આ ચાર શહેરોની તમામ બજારો 25 માર્ચ સુધી બંધ રાખવાની સુચના આપી છે. જ્યારે ઇમર્જન્સી સર્વિસ હોસ્પિટલ અને મેડિકલ સર્વિસ 24 કલાક શરૂ રહેશે.
ગાંધીનગર: ઉચ્ચ સ્તરીય બેઠકમાં ક્યાં લેવાયા મહત્વના નિર્ણયો..જુઓ વિગતવાર...
• અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ મહાનગરોમાં દવાઓ-તબીબી, શાકભાજી, કરિયાણુ, જીવન આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો, સંસ્થાઓ અને અન્ય જીવન આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો, મોલ્સ રપ માર્ચ-2020 સુધી સંપૂર્ણ બંધ રહેશે.
• રાજ્ય સરકારની કચેરીઓ,બોર્ડ, નિગમો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વર્ગ-2 થી 4 ના કુલ કર્મચારી ગણના 50 ટકા કર્મચારીઓને 29 માર્ચ-2020 સુધી રોટેશનલ બેજીઝ પ્રમાણે ફરજ પર આવવાનું રહેશે.
• અમદાવાદમાં 1200 બેડ, સુરત-500 બેડ, રાજકોટ-250 બેડ, વડોદરા-250 બેડની ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ કોરોના અસરગ્રસ્ત વ્યકિતઓની સારવાર માટે તાત્કાલિક ધોરણે કાર્યરત કરાશે.
- સીએમ વિજય રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલે રાજ્યમાં સર્જાયેલી કોરોના વાયરસની પરિસ્થિતીની ઉચ્ચસ્તરીય કોર કમિટીની બેઠકમાં સમીક્ષા કરી સ્થિતીનો તકાજો મેળવ્યો હતો. કોરોના વાયરસનો વ્યાપ સામાન્યત: બીજા અને ત્રીજા સ્ટેજમાં વધતો હોવાનો ટ્રેન્ડ વિશ્વમાં જોવા મળ્યો છે તે સંદર્ભમાં ગુજરાતમાં તેનો વ્યાપ વધુ ફેલાતો અટકાવવાની તકેદારી-સતર્કતા રૂપે આ બેઠકમાં કેટલાક અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
- સીએમ રૂપાણીએ બેઠકમાં જણાવ્યું કે, આ વાયરસનો ફેલાવો એકબીજાના સંપર્કમાં આવવાથી થતો હોવાથી રાજ્યના નાગરિકો ભીડભાડ વાળી જગ્યાએ કે જાહેર સ્થળોએ જઇને અન્યોના સંપર્કમાં ન આવે તે હેતુસર રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, આગામી બુધવાર, તા.ર૫ માર્ચ-ર૦ર૦ સુધી રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દૂધ, શાકભાજી, ફળફળાદી, કરિયાણું, પ્રોવિઝનલ સ્ટોર્સ તેમજ મેડીકલ સ્ટોર્સ, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી, મેડીકલ સાધનોની ઉત્પાદક કંપની, ફાર્મસી અને આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રાખી શકાશે.
- આ ઉપરાંત અન્ય આવશ્યક સેવાઓ જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવાઓ, વિજળી અંગેની સેવાઓ, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન અને આઇ.ટી. સંબંધિત સેવાઓ બેન્ક, એ.ટી.એમ., બેન્કના કલીયરીંગ હાઉસ તથા સ્ટોક એક્ષચેન્જ અને તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન તથા અન્ય અતિ આવશ્યક સેવાઓ, રેલવે, ટ્રાન્સપોર્ટ સેવા, પેટ્રોલ પંપ, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા તંત્ર તથા મીડીયા સમાચારપત્રો, ખાદ્ય પદાર્થો અને ખાદ્ય સામગ્રી, દવાઓ, પેસ્ટકંટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા તથા તેને લગતા ઇ-કોમર્સ સાથે સંકળાયેલી દુકાનો-સંસ્થાઓ જ ચાલુ રહેશે.
- સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવશ્યક સેવાઓના કર્મચારીઓ-અધિકારીઓ તેમજ આવશ્યક-તાત્કાલિક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ-અધિકારીઓ અને કોરોના વાયરસના ચેપ નિયંત્રણ કરવાની કામગીરી સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓને આ રોટેશનલ બેજીઝ પ્રથા લાગુ પડશે નહિ અને આ દિવસો દરમિયાન ફરજ પર રાબેતા મુજબ આવવાનું રહેશે. આ વ્યવસ્થા સંબંધિત ખાતાના-વિભાગોના વડાઓએ પોતાની કચેરી-વિભાગના કાર્યભારણને અનુરૂપ કરવાની રહેશે. તેમ પણ નિર્ણય સેવામાં આવ્યો હતો.
- તદ્દઅનુસાર, અમદાવાદમાં સિવીલ હોસ્પિટલ સંકુલમાં આવેલી 1200 બેડની નવિન હોસ્પિટલને કોરોના વાયરસના પોઝિટીવ કેસીસની સારવાર માટે ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો. આ હોસ્પિટલ આગામી સોમવારથી કાર્યરત થઇ જાય તે માટે મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારને વિશેષ જવાબદારી સોપવામાં આવી છે.
- આ ઉપરાંત રાજ્યના અન્ય 3 મહાનગરો રાજકોટમાં 250 બેડ, વડોદરામાં 250 બેડ તથા સુરતમાં 500 બેડની હોસ્પિટલ ‘ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ’ તરીકે ત્વરાએ કાર્યરત કરી દેવાની સૂચનાઓ પણ આપી છે.
- રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાંથી જો ફેલાવો કે વ્યાપ વધે અને અસરગ્રસ્તોની સંખ્યા પણ વધે તો આવા સંક્રમિત રોગીઓના જરૂરી મેડીકલ ટેસ્ટ, સારવાર સુવિધાના અદ્યતન સાધનો, વેન્ટીલેટર્સ વગેરેની તાકીદની જરૂરિયાતોની ખરીદી માટે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ૪ ઉચ્ચ સચિવોની હાઇપાવર કમિટીને આ માટેની સર્વગ્રાહી સત્તા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.