ગાંધીનગર : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નેશનલ હેલ્થ મિશનની યોજનાના (National Health Mission Gujarat) લાભાર્થીઓને સીધા નાણા સહાય પુરા પાડવાની પહેલરૂપ પદ્ધતિનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભારત સરકાર રાજ્યને ઇમરજન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ, આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન તેમજ 15માં નાણાં પંચ એમ વાર્ષિક અંદાજે 4000 કરોડ રૂપિયા વિવિધ આરોગ્ય કાર્યક્રમો-યોજનામાં સહાય-સહયોગ પૂરો પાડે છે.
દેશભરમાં SNAની પહેલ કરનાર એકમાત્ર રાજ્ય ગુજરાત બન્યું
આરોગ્ય યોજનાકીયમાં રાષ્ટ્રીય બાલિકા સુરક્ષા યોજના, ટી.બી. રોગ, દવાઓ, અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિવારણ માટેની સહાય નાગરિકોને સરળતાએ મળી રહે છે. તે માટે સ્ટેટ નોડલ એજન્સી SNAની ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડલ-2ના લોન્ચિંગ (Launch of Electronic Fund Flow Application Model 2) કર્યું છે. જે પરિણામે હવે યોજનાકીય લાભો, સહાયના નાણા, એટ સિંગલ ક્લિકે સીધા જ લાભાર્થીઓના બેન્ક ખાતામાં પહોંચી શકશે. આ ઉપરાંત હાલ જે સહાય લાભાર્થી ને અંદાજે ચાર-પાંચ સપ્તાહમાં મળે છે તે એક જ સપ્તાહમાં મળતી થઇ જશે.
નેશનલ હેલ્થ મિશન નાગરિકોને સહાય
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં આ એપ્લિકેશનનું લોંચિંગ સંપન્ન કર્યું હતું. આ પ્રકારનું નવીન મોડેલ-2 લોન્ચ કરનાર ગુજરાત દેશમાં એકમાત્ર રાજ્ય છે. નેશનલ હેલ્થ મિશનની (Benefits of the National Health Mission) વિવિધ પાયાની આરોગ્ય યોજનાકીય સહાય નાગરિકોને સરળતાએ મળી રહે તે માટે રાજ્ય દ્વારા આ ફંડ કેન્દ્ર સરકારના બજેટ માટે દરખાસ્ત કરાય છે. તદ્દઅનુસાર ફાળવવામાં આવતી રકમ અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સંસ્થાઓને તેના જુદા-જુદા બેંક ખાતામાં અપાતી હતી. જે પરિણામે વિભાગીય, જિલ્લા, તાલુકા કક્ષા સુધી ગ્રાન્ટ-સહાય ફાળવણીમાં પણ વિલંબને કારણે લાભાર્થીઓને મળતી સહાય લાભ પહોચાડવામાં સમય જતો હતો.