ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 'વાયબ્રન્ટ ડિજિટલ ગુજરાત'ને વધુ બળ આપવાના લક્ષ્ય સાથે એશિયાની પ્રતિષ્ઠિત કંપની CtrlS ગ્રુપના ગાંધીનગર-૧ 'ડેટા સેન્ટર'નું આજે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત CtrlS ગ્રુપના ડાયરેક્ટર રાજીવ ત્રિવેદી, CtrlS ગ્રુપના ડાયરેક્ટર અને નિવૃત્ત મેજર જનરલ વિક્રમ સિંહ, સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, ગિફ્ટ સિટીના એમ.ડી. તપન રે, CtrlS અને Cloud4Cના CIO અનિલ નામા સહિત ટેકનોલોજી ક્ષેત્રના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતની ડિજિટલ ઈકોનોમીને મળશે પ્રોત્સાહન: આ પ્રસંગે પોતાના સંબોધનમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, એશિયાની સૌથી મોટી કંપની CtrlS ગ્રુપનું નવીન 'ડેટા સેન્ટર' ગુજરાતની ડિજિટલ ઈકોનોમીને વધુ પ્રોત્સાહિત કરી અન્ય કંપનીઓને આ ક્ષેત્રે રોકાણ માટે પ્રેરણા આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ઝડપી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બન્યું છે, ત્યારે તેમના વડાપ્રધાન તરીકે આગામી વર્ષ ૨૦૨૪થી ત્રીજા કાર્યકાળમાં ભારતને વિશ્વને ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવાના લક્ષ્યાંકને સાકાર કરવામાં ગુજરાત મહત્તમ પ્રદાન આપશે, વધુમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, તાજેતરમાં જ વડાપ્રધાને સુરત ખાતે વૈશ્વિક કક્ષાના ડાયમંડ બુર્સનો શુભારંભ કરાવ્યો છે. ભારતની મજબૂત અર્થવ્યવસ્થાના પરિણામે વિશ્વના અનેક દેશો રોકાણ સહિત અનેક ક્ષેત્રે ભારત સાથે જોડાવા તત્પર છે.