ગાંધીનગર: DGP શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં કોરોના વાઈરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન અને તેને સંલગ્ન કાર્યવાહી અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, મુક્તિ અપાયેલા વાહનોનોના દુરુપયોગ પર ચાંપતી નજર રાખવામાં આવશે. તેમજ નાગરિકોને ખોટી અવરજવર ન કરવા અપીલ કરી છે.
DGP શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લૉકડાઉન દરમિયાન વ્યાજબી કારણ વગર લોકોનું ભેગા થવું, પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરવું, બિનજરૂરી રીતે બહાર ફરવા જેવા બનાવો પકડવામાં આવી રહ્યા છે. લૉકડાઉનમાં અગાઉ વાહન પકડાયું હશે તેવા લોકો ફરી વખત બહાર આવશે અને કારણ વગર ફરશે તો તેનું વાહન પુનઃ જપ્ત કરાશે. એ જ રીતે ટુ વ્હીલર પર એકથી વધુ લોકો અને ફોર વ્હીલરમાં બેથી વધુ લોકો મુસાફરી કરતા પકડાશે તો પણ તેની સામે કાર્યવાહી કરાશે.
શિવાનંદ ઝાએ લોકોને ચેતવતા જણાવ્યું કે, લૉકડાઉનમાંથી જેને મુક્તિ આપવામાં આવી છે, તેવા વાહનો અથવા વ્યક્તિઓ મુક્તિનો દુરૂપયોગ ન કરે, તે માટે પણ પોલીસ સતત નજર રાખી રહી છે. મુક્તિ અંગેના જે પાસ તંત્ર દ્વારા અપાયા છે, તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.