- હોટલમાં જ ઝેરી દવા પી લીધી હોવાથી મૃત્યુ
- સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ
- ભાજપ તરફથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા
ચોટીલાના ભાજપના નેતાનું મોત, ગાંધીનગરની છાલા ખાતેની હોટલમાં દવા પીને આપઘાત કર્યો - ઝેરી દવા પીને આપઘાત
ચોટીલા ભાજપના નેતા ઝીણાભાઈ ડેડવારિયાએ ગઈ કાલે રાત્રે ચિલોડા પાસેના છાલા ખાતેની એક હોટલમાં દવા પીને આપઘાત કર્યો છે. જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ તેમનું સારવાર દરમિયાન જ મોત થયું હતું.
ગાંધીનગર :ગઇકાલે સોમવારે બપોરે ગાંધીનગર ખાતે ભાજપના 55 વર્ષના નેતા ઝીણાભાઈ ડેડવારિયા આવ્યા હતા. જે બાદ તેઓ હોટલમાં રોકાયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાત્રે જ તેમને ઝેરી દવા પીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાતા તેમનું સવારે મોત થયું હોવાનું સામે આવ્યું હતું.
પોતાના વિસ્તારની સમસ્યાની રજૂઆત કરવા ગાંધીનગર આવ્યા હતા
ઝીણાભાઈ ડેડવારિયા પોતાના વિસ્તારની સમસ્યાઓને લઈને રજૂઆત કરવા માટે ગાંધીનગર આવ્યા હતા. આ દરમિયાન તેઓ છાલા ખાતેની હોટલમાં રોકાયા હતા. તેમને રાત્રે જમવાનો ઓર્ડર પણ કર્યો હતો. પરંતુ જમવાનું આવતા પહેલા જ તેમને દવા પી લીધી હોવાની વાત સામે આવી છે. જે બાદ સ્ટાફને જાણ થતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.
પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ર્હદય રોગની હુમલાથી મોતનો ખુલાસો
પોલીસ તપાસ કરવામાં આવી હતી અને તેમનું મૃત્યુ સિવિલ હોસ્પિટલમાં જ થતા તેમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ર્હદય રોગના હુમલાથી મોત થયાનું સામે આવ્યું છે. વર્ષ 2017માં ઝીણાભાઈ ડેડવારિયા ભાજપ તરફથી ચોટીલા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડ્યા હતા. વર્તમાન કોંગ્રેસના ધારાસભ્ય રૂત્વિક મકવાણા સામે વર્ષ 2017માં ચૂંટણી હાર્યા હતા.