ગાંધીનગર : જિલ્લાના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે વર્ષ દરમિયાન કુલ 1360 થી વધુ વખત કોલેરાનો સર્વે કરવામાં આવ્યો છે. જ્યારે જે વિસ્તારમાં કુલ 6,000 થી પણ વધુ વસ્તી છે તેવા તમામ લોકોના ટેસ્ટ પણ કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો, ડેન્ટલ કોલેજ ખાતે આવેલ એક ઈંટોના ભઠ્ઠા પાસે રહેતી 19 વર્ષીય યુવતીને કોલેરા પોઝિટીવ આવતા કલેકટર દ્વારા આસપાસના બે કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આવનારા 3 મહિના માટે આ વિસ્તારને કોલેરા ગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેેર કરવામાં આવેલ છે. આ પ્રકારની માહિતી જિલ્લા કલેક્ટર હિતેશ કોયા દ્વારા આપવામાં આવેલ છે.
ટીમ બનાવી સર્વે હાથ ધરવામાં આવ્યો છે : ગાંધીનગરના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે જિલ્લાના ઉવારસદ ગામમાં કુલ 1300 થી વધુ મકાનો અને 6000 થી વધુ લોકોનું સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે હાલમાં પણ સર્વેની કામગીરી ચાલુ છે. જેમાં 3 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આમ હવે 31 માર્ચ 2024 સુધી ઉવારસદના 2 કિલોમીટર સુધીના વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરાયેલ છે.
આ કારણોસર બિમારી થાય છે :આ બીમારી સ્વચ્છતાના અભાવે તેમજ દૂષિત ખોરાક લેવાથી થાય છે, જેની સાથે વ્યક્તિને અતિસાર કે પાતળા ઝાડા થાય છે. કોલેરા, એ વાઈબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાને કારણે જઠરમાં થતો ગંભીર ચેપ છે. તે મુખ્યત્વે દૂષિત પાણી અને કાચો ખોરાક અથવા રાંધ્યાં વિનાની માછલી અને છીપ (સીપદાર માછલી) સાથે જોડાયેલો છે. આ બીમારી મળાશય-મુખના રસ્તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પ્રસરે છે.