ઐતિહાસિક સફળતાનો પ્રતિભાવ ગાંધીનગર : ભારત દેશના તમામ નાગરિકો માટેની ઐતિહાસિક ક્ષણ સાંજના 6 વાગીને ચાર મિનિટે આવી જ્યારે ચંદ્રયાન ત્રણનું સફળ લેન્ડીંગ થયું. ગુજરાતમાં પણ સરકારના પ્રધાનો દ્વારા અલગ અલગ જગ્યા ઉપર ચંદ્રયાન 3ની લેન્ડિંગની પ્રક્રિયા લાઇવ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પોલીસ ભવનમાં અને રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયાએ બોરીજની પ્રાથમિક શાળામાં ચંદ્રયાન ત્રણનું સફળ લેન્ડિંગ લાઈવ નિહાળ્યું હતું.
ઇસરોના વૈજ્ઞાનિકોની સંઘર્ષ અને સફળતા : ચંદ્રયાન ત્રણના સફળ લેન્ડિંગ બાદ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત માટે આ ઐતિહાસિક સમય છે. ઈસરોના વૈજ્ઞાનિકોના સંઘર્ષ અને તેમની કાબિલયત આજે આપણે સૌ 140 કરોડ દેશવાસીઓની ઐતિહાસિક ઘડીના સાક્ષી બની શક્યા છીએ. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના નાગરિક તરીકે તેમનું આભાર માનું છું કે વડાપ્રધાન તરીકે નવા વિચારો, નવા સાહસો, નવા રિસર્ચ, ટેકનોલોજીનો વધારો કર્યો છે.
વિજ્ઞાન અને ખાસ કરીને રિસર્ચ સ્પેસ માટે જે પ્રકારે છેલ્લા વર્ષ 2014થી બજેટની અંદર વધારો કરવા ઉપરાંત વૈજ્ઞાનિકોને તમામ પ્રકારની મદદ અને સુવિધાઓ પૂરી પાડી સરકારે નવી દિશા બતાવી છે. વિજ્ઞાનને વધુમાં વધુ સહયોગ કરવા બદલ પણ કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે ચંદ્રયાન ત્રણના સફળ લેન્ડિંગ બાદ ભારત દેશના ખૂણે ખૂણે ભારત માતાકી જય જય હિન્દ અને ઈસરોની આખી ટીમને આભાર માનતા નારાઓ ગૂંજી રહ્યા છે. આજનો દિવસ આપણા સૌ માટે એક ઐતિહાસિક દિવસ તરીકે ઓળખાશે...હર્ષ સંઘવી(ગૃહરાજ્યપ્રધાન)
વિકાસ સહાયની પ્રતિક્રિયા : ચંદ્રયાનના સફળ લેન્ડિંગ બદલ ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયે નિવેદન આપ્યું હતું કે ગુજરાતના પોલીસ વડા તરીકે ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ વતી ભારત દેશના 140 કરોડ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે from moon and beyond ની જે કહેવત છે એ ભારતીય વૈજ્ઞાનિકોએ સાર્થક કરી નાખી છે. આજે આપણા દેશના તમામ લોકો ભારતના જે વૈજ્ઞાનિકો છે અને ખાસ ઈસરોના જે લોકો છે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. આ સશક્ત ભારત એક વિકસિત ભારત અને વિશ્વની એક લીડરશીપ તરીકે આગળ વધી રહ્યા છીએ તે આ ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ બતાવી રહ્યું છે.
GTUમાં ઋષિકેશ પટેલ રહ્યા હાજર ચંદ્રયાન ત્રણના લેન્ડિંગ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓ અને કોલેજોમાં ખાસ વ્યવસ્થા કરવાની સૂચના અગાઉથી જ આપી દેવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી ખાતે ચંદ્રયાન ત્રણ મિશનનું સફળ લેન્ડિંગ લાઈવ નિહાળ્યું હતું.
ચંદ્રયાન ત્રણના સફળ લેન્ડિંગને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવીએ છીએ. ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા દિવસ રાત મહેનત કરીને ચંદ્રયાન ત્રણને સફળ પરિણામ સુધી પહોંચાડ્યું છે અને ચંદ્રયાનના વિક્રમના સફળ લેન્ડિંગ દ્વારા ભારત દેશ ચંદ્ર પર પહોંચનાર સમગ્ર વિશ્વમાં ચોથો દેશ બન્યો છે...ઋષિકેશ પટેલ(પ્રવક્તાપ્રધાન)
દક્ષિણ ધ્રુવ પાર પહોંચનાર ભારત પ્રથમ દેશ: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ સફળ લેન્ડિંગ બદલ દેશના વૈજ્ઞાનિકો અને મિશન સાથે સંકળાયેલા તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર ભારત પ્રથમ દેશ બનતાં ઐતિહાસિક ક્ષણ છે. 41 દિવસની સફરમાં સમગ્ર દેશવાસીઓ ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના કરતા હતાં. ત્યારે આજે ભારતના વૈજ્ઞાનિકોએ સફળતા પ્રાપ્ત કરી ભારતનું ગૌરવ વધાર્યું હોવાનું નિવેદન પણ સી આર પાટીલે આપ્યું હતું.
- Chandrayaan 3: 'અમે ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું' - ISROના વડા એસ સોમનાથની જાહેરાત
- Gujarat people congratulated isro team : ચંદ્ર પર ચંદ્રયાન 3 મિશનના સફળ ઉતરાણ બદલ લોકોએ ઈસરોની ટીમ અને વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા
- Chandrayaan 3: ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ, દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર ભારત બન્યો પ્રથમ દેશ