ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે બીજી ઓક્ટોબર નિમિત્તે મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સવારે 6:30 કલાકે ગાંધીનગરમાં આવેલા કડી કેમ્પસ ખાતે 'પીડ પરાઈ જાણે રે' ના શીર્ષક સાથે ઓસમાણ મીરનો ભજનાવલીના કાર્યક્રમનું આયોજન કલાગુર્જરી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના લોકગાયક ઓસમાણ મીરે ગાંધીબાપુના જીવનની પ્રતીતિ કરાવી હતી.
છેલ્લાં 14 વર્ષથી ગાંધીનગરના કલાગુર્જરી દ્વારા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ભજનાવલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં 500થી વધુ લોકો હાજર હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની પરિસ્થિતિના કારણે સરકારની ગાઇડલાઇન્સને ધ્યાનમાં લઇને આ વર્ષે ફક્ત 40 લોકોની ગણતરીની સંખ્યામાં જ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જ્યારે આ બાબતે કલાગુર્જરીના આગેવાન મહેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે ભારે સંખ્યામાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું નથી. ફક્ત ગણતરીના લોકો જ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યારે અન્ય લોકોને ETV ભારતના માધ્યમથી લાઈવ ઘરે બેસીને કાર્યક્રમ જોઈ શકે તેવું પણ આયોજન કર્યું હતું. જ્યારે આજે જે ભજનો ગાવામાં આવ્યા હતા તે બાપુના અતિ પ્રિય ભજનો હતા.જ્યારે આજનો દિવસ સમગ્ર વિશ્વ માટે મહત્વનો દિવસ છે. કારણ કે, આજના દિવસે એક મહાન વ્યક્તિનો જન્મ થયો હતો.
ગાંધીનગરમાં ગાંધી જયંતિની ઉજવણી, ઓસમાણ મીરે ગાંધીજીની પ્રતીતિ કરાવી આજના કાર્યક્રમમાં ઓસમાણ મીર સાથે લોકગાયક ભીખુદાન ગઢવી પણ જોડાયા હતા. તેઓએ પણ તેમના સુરીલા કંઠે બાપુના જન્મદિન નિમિત્તે ભજનાવલી ગાઈ હતી. આ સાથે જ બાપુના જીવનનો જે મંત્ર છે સત્યતા, અહિંસા અને પ્રેમ આ ત્રણેય વિષય પર વક્તવ્ય પણ આપ્યું હતું. જ્યારે ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં ભીખુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગાંધીજી અને લોકો દુબડા માણસ તરીકે ઓળખતા હતા. ત્યારે બ્રિટિશની ધરતીએ ભારતને પૂછ્યું હતું કે, ગાંધીજી તો દુબળા છે. ત્યારે કવિ કાગે કવિતામાં જવાબ આપ્યો હતો કે, ભારતની પ્રજા ગુલામીમાં જીવે છે તેને આઝાદી અપાવી છે અને સ્વતંત્ર કરાવી છે, એટલે જ તેની ચિંતામાં મારો ગાંધી દુબળો છે. આમ ભીખુદાન ગઢવીએ કવિ કાગની વાતો યાદ કરીને ગાંધીજીને યાદ કર્યા હતા.
જ્યારે ઓસમાણ મીરે ગાંધીજી બાબતે જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ મારા માટે એક યાદગાર કાર્યક્રમ થયો છે. જ્યારે વર્ષ 2008માં દિલ્હી ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની સમાધિ પાસે ભજનાવલીનો કાર્યક્રમ કરવાનો મોકો મળ્યો હતો. ત્યારે આજે ફરીથી મને ગાંધીનગર ખાતે ગાંધી બાપુના જન્મદિન નિમિત્તે ફરીથી ભજનાવલી કાર્યક્રમ કરવાનો મોકો મળ્યો છે.
કડી કેમ્પસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ડૉ. ચેતના બુચે જણાવ્યું હતું કે, આજે કેમ્પસમાં કાર્યક્રમ થયો છે, તેની મૂળ શાખા કડીમાં આવેલ છે. ગાંધીબાપુ વર્ષો પહેલા આવ્યા હતા અને ઇ.સ 1919 માં સંસ્થાની સ્થાપના થઇ હતી. ત્યારબાદ ગાંધીજી આ સંસ્થાની મુલાકાતે આવ્યા હતા. તેમને એવું કહ્યું હતું કે, આપણા બાળકોને અહીંયા મોકલો અને ખૂબ સારી કેળવણી પામશે એટલે કે, આ સંસ્થાની મુલાકાત ગાંધીબાપુ ઘણા વર્ષો પહેલા લઈ ચૂક્યા છે અને તેમના આશીર્વાદથી જ આ કાર્યક્રમ થયો છે.