ગાંધીનગર: પોલીસની ટીમ લવાડ ગામે દોડી જઇ તમામને દહેગામ પોલીસ મથકે લઇ આવી હતી. જ્યાં તેમની ઉંડાણપૂર્વકની પૂછપરછ બાદ સવારે દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જઇ તમામના મેડિકલ ટેસ્ટ કરાવ્યાં હતાં. જેમાં પ્રાથમિક તબક્કે કાંઇપણ શંકાસ્પદ ન જણાતા રાહતનો દમ લીધો હતો.
લોકડાઉન દરમિયાન દહેગામમાંથી પકડાયા 13 મુસ્લિમ, પોલીસે કરી કાર્યવાહી
નિઝામુદ્દીન જમાતમાંથી આવેલા મોટી સંખ્યામાં મુસ્લિમોએ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે, ત્યારબાદ છુપાઈ ગયા હોવાની માહિતી મળી છે. જેને લઇને પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે. આવા સમયે લોકડાઉન દરમિયાન દહેગામ તાલુકાના લવાડ ગામમાં મોડી રાત્રે 13 જેટલા શંકાસ્પદ મુસ્લિમ ઇસમો ઘુસી જઇ અન્યત્ર જઇ રહ્યાં હતા. આ સમયે ગ્રામજનોએ તમામ શંકાસ્પદોને ઝડપી લઇ દહેગામ પોલીસને જાણ કરી હતી.
દહેગામ તાલુકાના લવાડ ગામમાં ગત મોડી રાત્રે 13 શંકાસ્પદ મુસ્લિમ ઇસમોને ગ્રામજનોએ ઝડપી તમામને રોકયા હતા, ત્યારબાદ દહેગામ પોલીસને જાણ કરવામાં આવી હતી. પીએસઆઇ આર. વી. મોરી સહિતનો સ્ટાફ લવાડ ગામે દોડી જઇ તમામ 13 વ્યક્તિઓને દહેગામ પોલીસ મથકે લઇ જવાયા હતાં. પીઆઇ કે. આર. ડીમરીએ તમામ લોકોની પૂછપરછ શરૂ કરાઇ હતી, ત્યારબાદ સવારે તમામ શકમંદોને દહેગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ તપાસ માટે લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક તપાસમાં તમામ તેર વ્યક્તિમાં બિમારીના કોઇ શંકાસ્પદ લક્ષણો ન જણાયા હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે તમામ ખરાઇ પૂર્ણ કર્યા બાદ 13 ઈસમોને ચિલોડા ખાતેની એક સ્કૂલમાં તૈયાર કરવામાં આવેલા ઓબ્ઝર્વેશન સેન્ટરમાં મોકલી આપ્યાં હતાં. લવાડ ગામેથી મળી આવેલા ઈસમો રાજસ્થાનના હોવાનું અને આગામી મુસ્લિમ ધર્મના રમઝાન માસ દરમિયાન ઝકાત ખેરાત લેવા આવનારા ફકીર હોવાનું અને વડોદરાથી આવી રાજસ્થાન તરફ જતાં રસ્તો ભૂલી ગયા હોવાથી લવાડ પહોંચ્યા હોવાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.