ગાંધીનગર:ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી BAPS સ્કૂલ તરફ જતાં રોડ ઉપર ગઈકાલે રાતના સમયે ભયાનક અકસ્માતની ઘટના બનવા પામી હતી. ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ ઈજાગ્રસ્તો પૈકી એકની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. મૃતકમાં એક બિલ્ડરનાં પુત્ર હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ ત્રણ જણાને દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોSurat Accident : આ કેવો અકસ્માત, ટ્રક પાછળ દોરડા સાથે બંધાયેલી હાલતમાં વ્યક્તિ ઢસડાયો
કેવી રીતે થયો અકસ્માત:મળેલી માહિતી અનુસાર 22 જાન્યુઆરીના રોજ રાત્રીના સાડા આઠ વાગ્યે રાયસણના યુવાનો પ્રવીણ રાવળ, હાર્દિક પટેલ, જીગર રાવળ, વિપુલ ઠાકોર અને ધવલ રાવળ સિલિકોન લાવીસ્ટા ખાતે ભેગા થયા હતા. બાદમાં તમામ મિત્રો હાર્દીકની કાર લઇને ત્યાંની નીકળ્યા હતા. પ્રવીણ કાર ચલાવી રહ્યો હતો અને હાર્દિક તેની બાજુમાં બેઠો હતો. જ્યારે અન્ય ત્રણ મિત્રો પાછળની સીટમાં સવાર થયા હતા. પ્રવિણે અચાનક કાર પૂર ઝડપે ચલાવવાનું શરૂ કર્યું હતું. કાર રાયસણ રોડ પર પ્રીયા ફાર્મ અને BAPS સ્કૂલની નજીક પહોંચી ત્યારે પ્રવિણે કાર પરનો કાબુ ગુમાવી બેસતા કાર રોડ પર ફંગોળાઈ હતી અને પલટી મારી ગઇ હતી.