ગાંધીનગરઃગુજરાતમાં અનેક ખાનગી કંપનીઓ સરકાર પાસેથી આંતરમાળખાકીય સુવિધા સહિત તમામ પ્રકારની વ્યવસ્થા લેવા માટે કાલાવાલા કરે છે, પરંતુ પણ સરકારી ટેક્સ ભરવામાં આળસ રાખતા હોય તેવું આજે ગુજરસ્ત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે. આમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે રાજ્યમાં કંપની પાસે કેટલા વેટની રકમ લેવાની બાકી હોવાનો પ્રશ્ન કર્યો હતો. તેના જવાબમાં સરકારે કુલ 447 જેટલી કંપનીઓ પાસેથી 10 કરોડ રૂપિયાથી વધુની રકમનો વેટ વસૂલવાનો બાકી હોવાનું વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.
આ પણ વાંચોઃBudget Session: ગુજરાતના પ્રત્યેક નાગરિક પર 50,000 રૂપિયાનું દેવું, સરકારે પોતે વિધાનસભામાં સ્વીકાર્યું
ગુજરાતની 447 કંપનીઓ પૈકી આ મોટી કંપનીઓના 10 કરોડથી વધુ ટેક્સ બાકીઃભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, સિમ્સ લિમિટેડ, અદાણી બન્કરિંગ પ્રાઈવેટ લિમિટેડ, ઈન્ડિયન ઑઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ, સાલ હોસ્પિટલ, સિમ્સ હોસ્પિટલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, એશિયન ગ્રેનિટો, નોવા શિપિંગ અને વિનસ લાઈફ.
એક પણ કંપનીને રાહત નહીંઃરાજ્ય સરકારના નાણાપ્રધાને આ કંપનીઓ પાસેથી કેટલી રકમ માફ કરવામાં આવી છે તે બાબતનું લેખિતમાં જવાબ આપ્યો હતો કે, છેલ્લા 2 વર્ષમાં 31 જાન્યુઆરી 2023ની પરિસ્થિતિએ 447 કંપનીઓ પાસેથી 10 કરોડ રૂપિયા કે તેથી વધુની રકમ વેટની વસૂલવાની બાકી છે. ત્યારે આવી એક પણ કંપનીઓની કોઈ જ રકમ માફ કરવામાં આવી નથી.
અંબાજી મંદિરના પ્રસાદનો મુદ્દો ગુંજ્યોઃ તાજેતરમાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટે કર્યો હતો. ત્યારે આ મુદ્દો આજે ગુજરાત વિધાનસભામાં ગુંજ્યો હતો. આ અંગે કૉંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડે જણાવ્યું હતું કે, અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવું તે યોગ્ય નથી. આ સાથે જ તેમણે આ અંગે વિરોધ પણ કર્યો હતો. આ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં આજના દિવસે ગુજરાત પર કેટલું દેવું છે. તેની પર પણ કૉંગ્રેસે સવાલ કર્યો હતો.
ગુજરાતના દેવા અંગે પ્રશ્નઃ આના જવાબમાં સરકારે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પર અત્યારે 3,20,812 કરોડ રૂપિયા રૂપિયાનું દેવું છે. એટલે કે ગુજરાતમાં જન્મ લેતું દરેક બાળક 50,000 રૂપિયાના દેવા સાથે જન્મ લઈ રહ્યું છે.
આ પણ વાંચોઃBudget Session: અંબાજી પ્રસાદનો મુદ્દો વિધાનસભા પહોંચ્યો, કૉંગ્રેસે કહ્યું ચિકીનો પ્રસાદ યોગ્ય નથી
સરકારે લેખિતમાં જવાબ આપ્યોઃ તેમણે ઉંમેર્યું હતું કે, જ્યારે રાજ્ય સરકારે દેવું વધારવાના કારણો પણ લેખિતમાં આપ્યા હતા, જેમાં રાજ્યના વિકાસ આયોજનના કામો માટે જાહેર દેવા દ્વારા સંસાધન ઊભા કરવા તે સ્વીકાર્ય પદ્ધતિ છે અને વાર્ષિક વિકાસ યોજનાના ખર્ચની વૃદ્ધિ અનુસાર અને કાયદા હેઠળ નક્કી કરેલી મર્યાદાની અંદર રહીને જ રાજ્યનું દેવું પ્રાપ્ત કરવામાં આવ્યું છે.