મહેસાણામાં આવેલા કડી તાલુકાના લ્હોર ગામમાં દલિતોનો વરઘોડા અટકાવીને તેમને ધમકીઓ અપાઇ રહી હતી. જેને અટકાવવા માટે ભાજપા સરકારે ચોક્કસ પગલાં લીધા હોવાનું ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા જણાવ્યું હતું. તેમણે દલિતો વિશે વાત કરતાં કહ્યું હતું કે, તેઓ દલિતોની પડખે છે. સમાજમાં સમરસતાનું વાતારણ જળવાઇ રહે તે માટે સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે.
ભાજપ સરકાર દલિતોની પડખે છેઃ પ્રદિપસિંહ જાડેજા - Gujarat
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દલિતોના વરઘોડાને અટકાવવાની ઘટના સામે આવી રહી હતી. જેની સામે પગલા લેવા માટે ભાજપા સરકારે શું કાર્યવાહી કરી તેની માહિતી ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં આપી હતી. મહેસાણાના કડી તાલુકા લ્હોર ગામમાં, મોડાસાના ખંભીસર અને પ્રાંતિજના સીતવાડા ગામમાં દલિતોના વરઘોડા અટકાવ્યાની ઘટના પર તંત્રએ કરેલી કાર્યવાહી વિશે વાત કરી હતી.

મહેસાણામાં વરઘોડાને રોકનારા પાંચ લોકોની ધરપકડ કરાઇ છે. તેમજ દલિતોને પોલીસ દ્વારા રક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. પ્રાંતિજના સીતવાડા ગામમાં પોલીસ બંદોબસ્તમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જ્યારે વડાલીમાં અને મોડાસામાં પોલીસ ઘટના સ્થળે હાજર રહી હતી. આમ,ગૃહપ્રધાને સરકારના વખાણ કરતા સમાજમાં એકતા જાળવવા લોકોને જણાવ્યું હતું.
આ ઉપરાંત રાજ્યમાં દલિત સમાજના લગ્ન દરમિયાન કોઇ અનિચ્છિનીય બનાવ ન બને તેની માટે ગામેગામ કમિટી બનાવવાની સરકારે આદેશ આપ્યો હોવાનું જણાવ્યું હતું. સાથે દલિત સમાજને અસ્પૃશ્યતાનો સામનો ન કરવો પડે અને સામાજિક સમરસતાની જળવાઇ રહે તે અર્થે અધિકારીઓને સુચનાઓ અપી હતી.