ગાંધીનગર : અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલને સંપૂર્ણ ખાલી કરી સીલ મારી દેવાયું છે. તો સાથે જ શ્રેય હોસ્પિટલના આગકાંડ બાદ હોસ્પિટલના સંચાલક અને મેનેજરની અટકાયત કરવામાં આવી હતી. હોસ્પિટલના 4 પૈકી એક સંચાલક ભરત મહંત સંચાલક વિશે મોટી માહિતી સામે આવી છે કે, તેઓ ભાજપના નેતા છે. તેમજ કોંગ્રેસ સાથે પણ તેમના પરિવારનો જૂનો નાતો રહ્યો છે.
શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતના ઘરની અંદરથી તાળું, ભાજપ કનેક્શનની શક્યતા - Ahmedabad Municipal Corporation
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટનાથી 8 જેટલા દર્દીઓ બળીને ખાખ થઇ ગયા છે. ત્યારે રાજ્ય સરકારે ગણતરીના કલાકોમાં જ તપાસના આદેશ આપ્યા હતા. પરંતુ તપાસ બાદ હોસ્પિટલના ટ્રસ્ટી એવા ભરત મહંતનો ભાજપ સાથે રાજકીય કનેક્શન હોવાની માહિતીઓ સામે આવી હતી.
મળતી માહિતી પ્રમાણે વર્ષ 2019માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંતે ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. જ્યારે તેમના પિતા વિજય મહંત પણ પોરબંદરના પૂર્વ સાંસદ હોવાની પણ વાતો સામે આવી છે. આમ શ્રેય હોસ્પિટલનું રાજકીય કનેક્શન જે રીતે સામે આવ્યું છે સામે બીજી બાજુ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગણતરીના કલાકોમાં જ બે અધિકારીઓની નિમણૂક કરીને તપાસના આદેશ આપ્યા છે. દોષિતો સામે સખતમાં સખત કાર્યવાહી કરવાની પણ જે માંગ ઉઠી છે ત્યારે ભાજપ કનેક્શન હોવાના કારણે હવે તપાસ કઈ રીતની થશે તે પણ જોવાનું રહ્યું.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના સેક્ટર 8માં આવેલી શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંતના ઘરની બહાર અંદરની બાજુથી તાળુ મારી દેવામાં આવ્યું હતું. જ્યારે પરિવારના સભ્યો ઘરમાં જ હોવાનું પણ સામે આવ્યું હતું. કોઈ પણ મીડિયા ઘરની અંદર પ્રવેશી ન શકે તે માટે ઘરમાં અંદરથી જ તાળું મારી દેવામાં આવ્યું હતું.