ગાંધીનગર :ગુજરાતમાં પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ઔદ્યોગિક ક્ષેત્ર સહિત એગ્રીકલ્ચર, સર્વિસ સેક્ટર અને બાયોટેકનોલોજી સેક્ટરમાં વિકાસનો વ્યાપ વિસ્તરી રહ્યો છે. રાજ્ય સરકારે બાયોટેકનોલોજી પોલીસી 2022-27 ની જાહેરાત કરી હતી. આ પોલીસી અંતર્ગત રાજ્ય સરકાર 25 % CAPEX સપોર્ટ, પાંચ વર્ષ માટે 15 % OPEX સપોર્ટ, બેંક લોન પર 7 ટકા વ્યાજ સબસીડી અને રોજગાર સપોર્ટ જેવા પ્રોત્સાહન આપવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, આ બાયોટેકનોલોજી પોલિસીને સ્ટેક હોલ્ડર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
2000 કરોડના MOU :આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બાયોટેકનોલોજી સેક્ટરમાં નવા રોકાણો માટે એક જ દિવસમાં 2000 કરોડ રૂપિયાના MOU કરવામાં આવ્યા હતા. સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નેહરાએ રાજ્ય સરકાર વતી આ MOU પર હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતની ૧૩ અને મહારાષ્ટ્ર તથા દિલ્હીની એક-એક એમ કુલ ૧૫ કંપનીઓએ રાજ્ય સરકાર સાથે MOU કર્યા હતા. જેથી ભવિષ્યમાં આવનારા બાયોટેક ઉદ્યોગોમાં અંદાજે ૩ હજાર જેટલી રોજગારીનું સર્જન થવાની આશા છે.
સ્થાનિક ઔદ્યોગિક એકમ :ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીની કુલ 15 કંપનીઓએ રાજ્ય સરકાર સાથે MOU કર્યા છે. જેમાં મહારાષ્ટ્રની એમ્બાયો લિમિટેડ અને નવી દિલ્હીની બાયોટ્રેન્ડ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપની છે. ઉપરાંત ગુજરાતનાં સ્થાનિક ઔદ્યોગિક એકમોમાંથી આશરે રૂ. 1000 કરોડના રોકાણ સાથે અન્ય કંપનીઓ જોડાઈ હતી. જેમાં ઝાયડસ લાઇફ સાયન્સ, કોન્કોર્ડ બાયોટેક અને હેસ્ટર બાયોસાયન્સ લિમિટેડ છે. એક નવા યુગના સ્થાનિક ટેકનોલોજી પ્લેયર, મિટીયોરિક બાયો-ફાર્માસ્યુટિકલ દ્વારા આશરે રૂ. ૫૦૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યુ હતું. તેમજ એન્ડોક બાયોટેક ,ગુજરાત થેમિસ બાયોસીન ,સ્ટીવિયા ટેકલાઈફ, સેલેક્સિસ બાયોસાયન્સ, કનિવા બાયોસાયન્સ અને અન્ય ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે.