- છેલ્લા 24 કલાકથી સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો આખરે અંત
- ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ
- ઘાટલોડિયા વિધાનસભા સીટ પરથી ચૂંટાયા ગુજરાતના મુખ્યપ્રધાન
ગાંધીનગર:ગઈકાલે શુક્રવારે મુખ્યપ્રધાન રૂપાણીએ એકાએક રાજીનામું આપી દેતા હાહાકાર સર્જાયો હતો. જ્યારબાદથી રાજ્યમાં છેલ્લા 24 કલાકથી સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. ઘાટલોડિયા વિધાનસભા સીટ પરથી ચૂંટાયેલા ભૂપેન્દ્ર પટેલની મુખ્યપ્રધાન તરીકે પસંદગી કરાતા તમામ તર્ક વિતર્કોનો અંત આવ્યો છે.
કોણ છે ભૂપેન્દ્ર પટેલ?
ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ અગાઉ તેઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) અને AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. 1995થી જાહેર જીવનમાં રહેતા ભૂપેન્દ્ર પટેલને આનંદીબેન પટેલના જૂથના માનવામાં આવે છે. આનંદીબેન પટેલ પણ ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટાઈને આવ્યા હતા.
પાટીદાર ફેક્ટર ચાલ્યું
છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં પાટીદાર સમાજ સહિત વિવિધ સમાજો દ્વારા પોતાના મુખ્યપ્રધાન બનાવવા બાબતે નિવેદનો આપવામાં આવતા હતા. ત્યારે આજે રવિવારે પાટીદાર મુખ્યપ્રધાનની જાહેરાત કરાતા પાટીદારોનો સિક્કો ચાલ્યો હોય તેમ લાગી રહ્યું છે.