ગાંધીનગર:ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) ભાજપ પક્ષે દિલ્હીથી 160 જેટલા પ્રથમ તબક્કામાં ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી, ત્યારબાદ 6 બેઠક ઉપર ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી હતી. પરંતુ અનેક વિધાનસભામાં ઉમેદવારને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે કમલમ ખાતે બાયડ વિધાનસભાના ઉમેદવારનો પણ વિરોધ (Bayad assembly candidate protest at Kamalam)થયો હતો. જ્યારે બાયડ વિધાનસભામાંથી ધવલસિંહ ઝાલાને ફરીથી ટિકિટ આપવામાં આવે તેવી પણ માંગ કાર્યકર્તાઓ કરી છે. જ્યારે પ્રથમ વખત ભારે વિરોધના લઈને કમલમના મુખ્ય દરવાજા પણ બંધ કરવા પડ્યા હતા.
ધવલસિંહના સમર્થકો પહોંચ્યા કમલમ:બાયડ વિધાનસભાની ટિકિટની જાહેરાત થતા જ ભાજપના પૂર્વ બાયડના હારેલ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ બાયડ ખાતે રવિવારે મોટી સભા અને શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યારે સોમવારે બીજા દિવસે કમલમ ખાતે બપોરે 500 થી વધુ કાર્યકર્તાઓ ધવલસિંહ ઝાલાના સમર્થકમાં ગાંધીનગર પહોંચ્યા હતા અને ધવલસિંહ ઝાલા ને જ ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધવલસિંહ ઝાલા સ્થાનિકો માટે 108 ની જેમ 24 કલાક સેવામાં હોય છે ત્યારે તેવા ઉમેદવારોને જે ટિકિટ આપવામાં આવે અને જો ભાજપ પોતાનો નિર્ણય નહીં બદલે તો તેમને ભોગવવા માટે તૈયાર રહેવું પડશે તેવી પણ ચીમકી કમલમ ખાતે આપવામાં આવી છે.