પાટનગરમાં ઘ-2 સર્કલના રસ્તા પર જ કેટલાક યુવકો જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશન કરતાં હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વાહન ચાલકો અને ટ્રાફિકની સમસ્યાને અડચણ રૂપ બને તે રીતે યુવકો બુમાબુમ કરીને ફટાકડા ફોડતા હતા. કોઈપણ ગંભીર અકસ્માત કે, ઘટના બને તે રીતે યુવકોની આવી મસ્તીઓ સામે હવે પ્રતિબંધ લાગી શકે છે. યુવકોની આવી પ્રવૃતિઓ જોઈને બીજું કોઈ ન પ્રેરાય તે માટે ગાંધીનગર SP મયૂર ચાવડા દ્વારા જાહેરમાં આવી ઉજવણીઓ પર પ્રતિબંધ મુકવાની દરખાસ્ત કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે.
ગાંધીનગરમાં વાઈરલ વીડિયોના પગલે જાહેરસ્થળોએ 'બર્થ ડે' ઊજવવા પર પ્રતિબંધિત જાહેરનામું બહાર પડાશે - Dilip prajapati
ગાંધીનગરઃ યુવાનોમાં હવે જાહેર સ્થળો પર બર્થ ડે ઉજવવાની ફેશન થઈ ગઈ છે. સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરી જાહેર જનતાને પણ ખલેલ પહોંચાડતા હોય છે. ગાંધીનગરમાં બે દિવસથી વાયરલ વીડિયોને લઇને જાહેર જગ્યાઓ પર જન્મદિવસ મનાવવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવશે. બે દિવસ પહેલા ઘ-2 સર્કલ પાસે જન્મદિવસના ઉન્માદમાં યુવાનો દ્વારા નીતિ-નિયમોને નેવે મૂકી જાહેરમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
ગાંધીનગર SPની દરખાસ્તના આધારે કલેક્ટર દ્વારા આ મુદ્દે ટુંક જ સમયમાં જાહેરનામું બહાર પડશે. કલેક્ટર એસ. કે. લાંગા દરખાસ્તને લઈને પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કારણે જ્યારે આ મુદ્દો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, ત્યારે કલેક્ટરે પણ આવી વૃતિઓ સામે પગલાં લેવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે જાહેરનામુ બહાર પડ્યા બાદ પોલીસ દ્વારા આવા તત્વો સામે તવાઈ બોલાવાશે.
રાજ્ય સેવક તરીકે IPCની કમલ 188 મુજબ બહાર પડાયેલા જાહેનામાના ભંગના કેસમાં જો લોકોને અડચણરૂપ બને, ત્રાસ આપે કે હાનિનું જોખમ ઉભુ કરે તો 1 મહિના સુધીની સાદી કેદની સજા અથવા 200 રૂપિયા સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ છે. આવી કોઈ ઘટનામાં માનવ જીવન, તંદુસ્તી કે સલામતિ ભયમાં મુકાય અથવા હુલ્લડ, બખેડો ઊભો થાય તો, 6 માસ સુધીની સજા અથવા 1 હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજાની જોગવાઈ કરવામા આવશે.