ગાંધીનગર : નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય 25મી ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સ AIFSC નું એનએચઆરસીના અધ્યક્ષ જસ્ટિસ અરુણ કુમાર મિશ્રાએ કર્યું હતું..જ્યાં તેમણે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને મજબૂત બનાવવા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની સંપૂર્ણ સ્વાયત્તતા આવશ્યક હોવાનું જણાવ્યું હતું. તેઓઆ પ્રસંગે ડૉ. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે ફોરેન્સિક સાયન્સની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને ભારત ઉપરાંત યુગાન્ડા અને શ્રીલંકામાં પણ NFSUના કેમ્પસ ખુલી શકે છે. ફોરેન્સિક હેકેથોન 2023ના વિજેતાઓને કુલ છ કેટેગરીમાં રૂ.50 લાખના ઈનામોનું વિતરણ થયું હતું તેમ જ એક્ઝિબિશન સ્ટોલ્સમાં ભારતીય સ્ટાર્ટઅપ-ઇનોવેશન રજૂ કરાયાં હતાં.
શ્રીલંકાના નોર્થન પ્રોવિન્સના ગવર્નર આવ્યાં :25મી ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે શ્રીલંકાના નોર્થન પ્રોવિન્સના ગવર્નર જીવન થિઆગરાજ; બાલાજી શ્રીવાસ્તવ, IPS, ડાયરેક્ટર જનરલ, બ્યૂરો ઓફ પોલીસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPR&D), નવી દિલ્હી, ડૉ. એસ.કે.જૈન, ચીફ ફોરેન્સિક સાયન્ટિસ્ટ-DFSS અને ડૉ. જે. એમ. વ્યાસ, કુલપતિ-નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતાં.
આ પણ વાંચો સુશાંતસિંહ આત્મહત્યા કેસઃ ગાંધીનગર FSLએ બોલીવુડ સેલિબ્રિટીઝના 35 મોબાઈલના લોક તોડ્યા
50 લાખના ઈનામોનું વિતરણ :સમારોહમાં ફોરેન્સિક હેકેથોન-2023ના વિજેતાઓને કુલ છ કેટેગરીમાં રૂ.50 લાખના ઈનામો વિજેતાઓને મુખ્ય અતિથિના હસ્તે એનાયત કરાયા હતાં. સાથે જ ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સના સોવેનિયર અને DFSSના મેન્યુઅલનું વિમોચન કરાયું હતું. સાથે જ એક્ઝિબિશન સ્ટોલ્સમાં ફોરેન્સિક સાયન્સને લગતા ઉપકરણો અને ભારતીય સ્ટાર્ટ-અપ, ઇનોવેશનને પણ રજૂ કરવામાં આવ્યા છે તેનું ઉદ્ઘાટન પણ કોન્ફરન્સના પ્રથમ દિવસે થયું હતું.
એફએસએલની સ્વાયત્તતા સમયની માગ : સમારોહના મુખ્ય અતિથિ જસ્ટિસ અરુણ કુમાર મિશ્રા, ચેરપર્સન, નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન ઓફ ઇન્ડિયા એનએચઆરસી નવી દિલ્હીએ અધ્યક્ષીય ભાષણમાં જણાવ્યું હતું કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને મજબૂત બનાવવા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઓની (FSL)ની સંપૂર્ણ સ્વાયત્તતા એ સમયની માગ છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની સંખ્યા વધવી જોઈએ તેમજ ગુનાના પુરાવાઓનું એકત્રીકરણ અને વૈજ્ઞાનિક રીતે પુરાવાઓની સુરક્ષા અકબંધ રહે તથા ક્રાઈમ સીન મેનેજમેન્ટ માટે વૈજ્ઞાનિક તાલીમ પણ અત્યંત આવશ્યક છે. આ પરિષદનો મુખ્ય હેતુ આપણે સૌ સુરક્ષિત રહીએ તે માટેનો છે. ગુનેગારો તથા કાયદાનો અમલ કરનારી એજન્સીઓ પણ કાયદાકીય કે માનવ અધિકારોનું ઉલ્લંઘન ન કરે તેની તકેદારી રાખવા માટે ફોરેન્સિક સાયન્સ મહત્ત્વની અને પ્રભાવશાળી ભૂમિકા ભજવી શકે છે.
યુગાન્ડા અને શ્રીલંકામાં પણ NFSUના કેમ્પસ ખુલી શકે છે માનવ અધિકારોના સંરક્ષણ માટે જરુરી :તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફોરેન્સિક લેબોરેટરી અને ફોરેન્સિક નિષ્ણાતો વિશ્વસનિયતાપૂર્ણ વાતાવરણ ઊભું કરે કે જેથી ગુનેગારોના મનમાં કાયદાનો ડર રહે, ગુનેગારો ગુનાહિત કૃત્યો કરતાં અટકે અને કાયદાકીય સજાથી છટકી ન શકે. માનવ અધિકારોના સંરક્ષણ અને જાળવણી માટે ફોરેન્સિક પુરાવાઓ અને વૈજ્ઞાનિક તપાસ જરૂરી છે.શ્રીલંકાના નોર્ધન પ્રોવિન્સના ગવર્નર જીવન થિઆગરાજે જણાવ્યું હતું કે ફોરેન્સિક સાયન્સ માનવજીવનની સુરક્ષામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વિશ્વમાં ટેક્નોલોજીને કારણે ઊભા થતાં પડકારોને પહોંચી વળવા માટે ફોરેન્સિક સાયન્સની વિવિધ શાખાઓ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
આ પણ વાંચો સાણંદ SDM આપઘાત કેસમાં તપાસ DySPને સોંપાઈ, FSL રિપોર્ટમાં થશે મોટા ખુલાસા?
યુગાન્ડા અને શ્રીલંકામાં NFSUના કેમ્પસ ખુલી શકે :નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે NFSU ખાતે યોજાયેલી આ 25મી ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સનું મહત્ત્વ એટલા માટે વધારે છે કે સૌપ્રથમવાર આવી કોન્ફરન્સમાં 1200થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યાં છે અને 450થી વધુ રીસર્ચ પેપર્સ રજૂ કરવામાં આવ્યા છે. સ્પેન, ઇઝરાયેલ, અમેરિકા સહિતના દેશોમાંથી ફોરેન્સિક નિષ્ણાતો પણ વક્તવ્ય આપવા આવ્યા છે. આ એક અનોખો રેકોર્ડ સર્જાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “આત્મનિર્ભર ભારત”ના સ્વપ્નને સાકાર કરવા માટે સૌપ્રથમ ફોરેન્સિક હેકેથોનનું આયોજન થયું. જેને કારણે ભારતમાં જ ફોરેન્સિક વિજ્ઞાન સંબંધી સ્વદેશી ટેક્નોલોજીનું નિર્માણ શક્ય બને. NFSUની સ્થાપનાના ખૂબ જ ટૂંકા ગાળામાં દેશના વિવિધ રાજ્યોમાં કુલ નવ કેમ્પસ સ્થાપવામાં આવ્યા છે. ફોરેન્સિક સાયન્સની ઉપયોગીતાને ધ્યાનમાં રાખીને ભારત ઉપરાંત યુગાન્ડા અને શ્રીલંકામાં પણ NFSUના કેમ્પસ ખુલી શકે છે.
ફોરેન્સિક પુરાવા સચોટ : ફોરેન્સિક વિજ્ઞાનનું મહત્ત્વ સમજાવતા તેમણે જણાવ્યું કે ગુનેગારો આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગુનાઓ કરી રહ્યાં છે ત્યારે આવા ગુનાઓ શોધવા માટે ફોરેન્સિક એક્સપર્ટની મદદ જરૂરી છે. સાક્ષીઓ ફરી જતાં હોય છે અથવા તેમની જુબાની ફેરવી નાખવામાં આવે છે આવી સ્થિતિમાં ફોરેન્સિક પુરાવા મહત્ત્વના બની રહે છે. કારણ કે ફોરેન્સિક નિષ્ણાતનો અભિપ્રાય વધુ વૈજ્ઞાનિક અને વિશ્વસનીય છે. ગુનેગારો ગુનો કર્યા બાદ પુરાવાનો નાશ કરવાની વૃત્તિ ધરાવે છે ત્યારે ફોરેન્સિક નિષ્ણાતો પુરાવાનો નાશ કરેલા અવશેષોને મેળવીને ગુનો પુરવાર કરી શકે છે. મહત્ત્વની બાબત એ છે કે, સાક્ષી ખોટું બોલી શકે, પરંતુ ફોરેન્સિક પુરાવા કદી ખોટું ન બોલતા નથી.
મોટી સંખ્યામાં પોલીસ અને ન્યાયતંત્ર અધિકારીઓ હાજર : ઉદ્ઘાટન સમારોહની આભાર વિધિ ડો.એસ.કે.જૈન, ચીફ ફોરેન્સિક સાયન્ટિસ્ટ-DFSS દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રો. (ડો.)પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડાયરેક્ટર-ગાંધીનગર-NFSU, સી.ડી.જાડેજા એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર-NFSU સહિત દેશ-વિદેશથી આવેલા ફોરેન્સિક વિજ્ઞાનીઓ, પોલીસ અધિકારીઓ, ન્યાયતંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.