ગાંધીનગરઃ કોરોના વાઈરસને લઈને પોલીસ દ્વારા શહેર અને ગામડામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શનિવારે ચિલોડા પોલીસ સ્ટેશનના જમાદાર મોહનભાઈ સુરસિંહ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ધણપ ગામના કેનાલ પાસે આવેલા રામદેવપીરના મંદિર સામે આવેલા મેદાનમાં ગામના કેટલાક લોકો ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે સરકારના લોકડાઉના આદેશનો અનાદર પણ કરી રહ્યા હતા. જેને લઇને મોહનભાઈએ આ લોકોને ઘરે જવા જણાવ્યું હતું. પરંતુ આ લોકો ઘરે જવાની જગ્યાએ મોહનભાઈ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને ઉશ્કેરાઈ જઈને હાથમાં રહેલું ક્રિકેટ રમવાનું બેટ લઇને મોહનભાઈ ઉપર તૂટી પડ્યા હતા. જેમાં મોહનભાઈના ડાબા હાથે તેમજ સાથળ ઉપર ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ધણપમાં ક્રિકેટ રમતા લોકોને પોલીસે ઘરે જવાનું કહેતા બેટ લઇને ફરી વળ્યા, 9 સામે ફરિયાદ - કોરોના વાઈરસ ન્યૂઝ
કોરોના વાઈરસને લઈને સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉનનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે હજુ પણ અનેક લોકો આ મહામારીને ગંભીરતાથી લેતા નથી અને સરકારના આદેશનો અનાદર કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના ધણપ ગામમાં રામદેવપીર મંદિર પાસે ગામના કેટલાક યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેમને ઘરે જવાનું કહેતા આ લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને પોલીસ કર્મચારીઓ પર બેટ લઈને તૂટી પડ્યા હતા. જેમાં પોલીસે નવ લોકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
![ધણપમાં ક્રિકેટ રમતા લોકોને પોલીસે ઘરે જવાનું કહેતા બેટ લઇને ફરી વળ્યા, 9 સામે ફરિયાદ ધણપમાં ક્રિકેટ રમતા લોકોને પોલીસે ઘરે જવાનું કહેતા બેટ લઇને ફરી વળ્યા, 9 સામે ફરીયાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6580581-thumbnail-3x2-chiloda.jpg)
પોલીસની કામગીરીમાં દખલઅંદાજી કરવી અને માર મારવો તે ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ નવ લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં વનરાજસિંહ વિષ્ણુસિંહ રાણા, પ્રેમસિંહ છત્રસિંહ રાણા, શક્તિ ઉર્ફે ટેણી અશોકસિંહ રાણા, હિતેશ પ્રવીણસિંહ રાણા, દિલીપસિંહ વિનુસિંહ રાણા, જીગર સિંહ વિનુંસિંહ રાણા, પ્રદિપસિંહ ભરતજી રાણા, શક્તિસિંહના બે બનેવી અને યશરાજ છત્રસિંહ રાણા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે યશરાજસિંહની ધરપકડ કરી લીધી હતી. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.