અશ્વિન કોટવાલે જણાવ્યું કે, વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પક્ષપાતી વલણ અપનાવવામાં આવી રહ્યું છે. હજુ સુધી મને મારા સરનામા પર પત્ર મળ્યો નથી. મારું જે વિધાનસભામાં સરનામું ચાલે છે, તેના પુરાવા પણ તમને દર્શાવી રહ્યો છું.
વિધાનસભા અધ્યક્ષ દ્વારા પક્ષપાતી વલણ અપનાવવામાં આવી રહ્યું છે :અશ્વિન કોટવાલ
ગાંધીનગર: કોંગ્રસેના દંડક દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા માટે અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ અલ્પેશ ઠાકોર મુદ્દે રજૂઆત કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે બુધવારે ત્રીજી વાર કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ રજૂઆત કરવા પહોંચ્યા હતા.
વધુમાં અશ્વિન કોટવાલ વિધાનસભાના અધ્યક્ષ પર સીધો આક્ષેપ કર્યો હતો કે, અલ્પેશ ઠાકોરની દરખાસ્તમાં કરેલી ચૂંટણીનું રજિસ્ટર વિધાનસભા સચિવાલય દ્વારા જાણી જોઈને અલગ સરનામે મોકલવામાં આવ્યું છે. અલ્પેશ ઠાકોરને બચાવવા માટે રાજકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવા માટે ચાલુ દિવસનો પણ સમય લેવામાં આવ્યો હતો .જ્યારે અલ્પેશ ઠાકોરને બચાવવા માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવતા નથી. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પક્ષપાતી વલણ અપનાવવામાં આવી રહ્યું છે.
અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધા બાદ કોંગ્રેસના દંડક દ્વારા ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ અધ્યક્ષ રજૂઆતમાં ક્ષતિઓ હોવાને લઈને કોંગ્રેસના દંડકને પત્ર લખ્યો હતો, પરંતુ તે પત્ર આજદિન સુધી મળ્યો નથી તેમ કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલનું કહેવું છે. એક તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, અલ્પેશ ઠાકોર પહેલેથી જ ભાજપ સાથે ભળી ગયા છે. માત્ર તેમને દેખાડા પૂરતો કેસરિયો ખેસ ધારણ કરવાનું બાકી રાખ્યું છે. ત્યારે આગામી બાકી રહી ગયેલી ટીમ પણ અલ્પેશ ઠાકોર ધારાસભ્ય તરીકે જ પૂરી કરશે અને તેમનું ધારાસભ્ય પદ રદ કરવામાં નહીં આવે તેવું જાણવા મળી રહ્યું છે.