ગાંધીનગર: ગુજરાત રાજ્યના પોલીસ ભવનથી મળતી માહિતી પ્રમાણે કુલ 46,400 જેટલા બાળકો ગુમ તથા અપહરણ થયેલા છે. જે પૈકી 43,786 બાળકો મળી આવેલા છે અને કુલ 2617 બાળકો શોધવાના બાકી છે. જેથી બાળકો શોધવાની ટકાવારી 94.36 ટકા છે.
રાજ્યના મોટા શહેરો જેવા કે, અમદાવાદ, સુરત, મહેસાણા, દાહોદ, ગોધરા વગેરે જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં બાળકો લાપતા તથા અપહરણ થયેલા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેથી રાજ્યના પોલીસ વડાની સૂચનાથી અઢાર વર્ષથી નીચેની ઉંમરના લાપતા થયેલા બાળકો શોધવા માટે 6 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી પંદર દિવસની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પેશિયલ ડ્રિલમાં શહેર તથા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ઉપરાંત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, CCB, DCB, PCB, SOG તથા મેચિંગ સેલના તમામ અધિકારીઓને સુંચના આપવામાં આવી છે. આ સાથે જ લાપતા તથા અપહરણ થયેલા બાળકોને શોધવા માટે ઓબ્ઝર્વેશન હોમ તેમજ ચાઈલ્ડ કેર હોમમાં પણ તપાસ કરવાના આદેશ રાજ્યના પોલીસ અધિકારીઓને આપવામાં આવ્યા છે.