ગુજરાત

gujarat

ETV Bharat / state

15મીં ઓગસ્ટની ઉજવણી બાદ વધુ એક GMCનાં અધિકારી કોરોના પોઝિટિવ, જિલ્લામાં વધુ 26 સંક્રમિત - Gandhinagar municipal corporation

15 ઓગસ્ટની ઉજવણી બાદ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. પહેલા મનપાના આઠ જેટલા કર્મચારી-અધિકારીઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ બુધવારના રોજ મહાપાલિકાના કમિશ્નર પણ કોરોનાગ્રસ્ત થતાં મનપાના સ્ટાફમાં ગભરાટ ફેલાયો છે. આ સાથે 15 ઓગસ્ટની ઉજવણીમાં ભાગ લેનારા પાલિકાના હોદ્દેદારો, રાજકીય અગ્રણીઓ અને નગરજનોમાં પણ ચિંતા ફેલાઈ છે.

15 ઓગસ્ટની ઉજવણી બાદ વધુ એક GMCનાં અધિકારી કોરોના પોઝિટિવ, જીલ્લામાં 26 સંક્રમિત
15 ઓગસ્ટની ઉજવણી બાદ વધુ એક GMCનાં અધિકારી કોરોના પોઝિટિવ, જીલ્લામાં 26 સંક્રમિત

By

Published : Aug 19, 2020, 10:46 PM IST

ગાંધીનગર: સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 62 વર્ષીય સિટી એન્જિનિયરની તબિયત સારી ન હોવાથી તેઓ અઠવાડિયાથી રજા પર હતા. તેમને કોરોના પોઝિટિવ જાહેર કરાયા તે પહેલાં મનપાના અધિકારીઓ અને હોદ્દેદારો તેમની સાથે નિયમિત સંપર્કમાં હતા. આ પૈકીના ઘણાં મહાનુભાવોએ 15 ઓગસ્ટની ઉજવણીમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય પર્વમાં ભાગ લેવા માટે આવેલા અનેક મહાનુભાવો અને નગરજનો તેમના સંપર્કમાં આવ્યા હોવાની આશંકા છે.

ગાંધીનગર મહાપાલિકાની એન્જિનયરિંગ શાખાના સ્ટાફને પહેલા જ કોરેન્ટાઈન કરી દેવાયો છે. હવે કમિશ્નરનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ગાંધીનગર મનપાના 25થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ કોરેન્ટાઈન હેઠળ છે અને કમિશ્નર નાયબ મ્યુનિ. કમિશ્નર સાથે નિયમિત સંપર્ક ધરાવનારા તેમના અંગત સહાયકો, મેયર તથા અધિકારીઓને સાવચેતી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા સૂચના અપાઈ છે.

ગાંધીનગર મ્યુનિસિપલ વિસ્તારમાં બુધવારના રોજ 10 વ્યક્તિ કોરોના સંક્રમિત થયાં છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં 16 વ્યક્તિ પણ કોરોના સંક્રમિત થયા છે અને સારવાર દરમિયાન માણસાના 58 વર્ષીય દર્દીનું મોત થયું હતું. બુધવારે ગાંધીનગર તાલુકામાં 4, માણસા તાલુકામાં 4 અને કલોલ તાલુકામાં 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2000નો આંકડો વટાવી જતાં સ્થિતિ ગંભીર બની છે.

15 ઓગસ્ટની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સાથે ભીડ ભેગી ન કરવા માટે સરકાર તરફથી સૂચના અપાઈ હતી. સામાન્ય વહીવટ વિભાગે આ સંદર્ભે એક ઠરાવ કરીને, ધ્વજવંદનનો કાર્યક્રમ 26 મિનિટમાં પૂરો કરવા અને 150થી વધુ વ્યક્તિને ભેગા ન કરવા જણાવાયું હતું. છતાં, 15 ઓગસ્ટના કાર્યક્રમમાં 400 જેટલા મહાનુભાવો અને નાગરિકોને આમંત્રિત કરાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો નહીં યોજવાની માર્ગદર્શિકાનો ભંગ કરીને એક કલાકના નાટકનું આયોજન પણ થયું હતું.

ABOUT THE AUTHOR

...view details