ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા ખેડૂતોને કૃષિના વિકાસ માટે ગુરૂવારે સાત પગલાં ખેડૂત કલ્યાણના આ યોજનાનો ઇ-શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સીએમ રૂપાણી એ સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત કૃષિ ખેતીવાડી અને ખેડૂતોના આર્થિક ઉત્થાન સાથે નવીન પાક ઉત્પાદન, પાકસંગ્રહ, નાના સિમાંત ખેડૂતોને અદ્યતન ઓજારો વિતરણ, ગાય આધારિત ખેતી, કિસાન પરિવહન યોજના અને મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના એમ કિસાન હિતલક્ષી સાત પગલા આવરી લેવામાં આવ્યા છે.
રાજ્યના ખેડૂતો માટે "સાત પગલાં ખેડૂત કલ્યાણ" યોજનાની જાહેરાત આ પગલાઓ પૈકીના મહત્વપૂર્ણ બે કદમ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના તેમજ કિસાન પરિવહન યોજનાનો ગુરૂવારે મુખ્યપ્રધાને પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનામાં ખેડૂતોને ગોડાઉન સ્ટ્રકચર માટે 30 હજાર રૂપિયાની મહત્તમ સહાય રાજ્ય સરકાર ચૂકવશે. કિસાન પરિવહન યોજનામાં ખેડૂત પોતાના ઉત્પાદનો અન્ય બજારોમાં સરળ રીતે પહોંચાડી વધુ આવક રળી શકે તે માટે આ યોજનામાં વધુમાં વધુ ૭૫ હજારની સહાય રાજ્ય સરકાર ખેડૂતોને નાના વાહન ખરીદવા માટે આપશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 1.16 હજાર ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાનો તેમજ 84 હજાર ખેડૂતોને કિસાન પરિવહન યોજનાનો લાભ આપીને એક જ દિવસમાં રાજ્ય સરકારે 1.25 હજાર ખેડૂતોને 400 કરોડની સહાયની ચુકવણી કરી છે. સીએમ વિજય રૂપાણીએ ગાંધીનગરમાં પ્રતિક રૂપે પાંચ લાભાર્થીઓને સહાયતાના ચેક વિતરણ કર્યા હતા.
આ સહાયના પરિણામે આગામી ત્રણ મહિનામાં રાજ્યના ખેડૂતોને પોતાના ખેતરના ગોડાઉનમાં 2,32,2003 અનાજનો સંગ્રહ વધશે, તેમજ પાક બગાડ અટકાવી શકાશે. આ ઉપરાંત સીએમ વિજય રૂપાણીએ ભૂતકાળની કોંગ્રેસ સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને પાક વીમા માટે આંદોલનો કરવા પડતા હતા તેમજ 18 ટકા જેવા ઊંચા વ્યાજે ધિરાણ લઈને ખેડૂત દેવાના ખપ્પરમાં બરબાદ થઈ જતો હતો. ઉપરાંત ટેકાના ભાવે ખરીદી પણ થતી નહીં જ્યારે વીજ જોડાણ હોય કે યુરિયા ખાતર હોય ખેડૂતોએ ભૂતકાળમાં લાંબા સમય સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિનું છેલ્લા બે દશકામાં નિવારણ લાવી દીધું છે.