ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ત્રીજી બેઠકમાં પિરોટન ટાપૂને નેચર રિલેટેડ એકટીવીટીઝ માટેનું પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બનાવવા માટે તેનો વિકાસ પર્યાવરણ જાળવણી સાથે કરવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે, સાથે જ બેટ દ્વારકાના વિકાસ માટે પણ કમિટીની રચના કરવામાં આવશે.
બેટ દ્વારકાના વિકાસ માટે આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરાશે : CM વિજય રૂપાણી - આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી બેઠક
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ત્રીજી બેઠકમાં પિરોટન ટાપૂને પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બનાવવા માટે પર્યાવરણ જાળવણી સાથે તેનો વિકાસ કરવામાં આવે અને બેટ દ્વારકાના વિકાસ માટે પણ કમિટીની રચના કરવામાં આવશે.
બુધવારની બેઠકમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કે, પૂરાતન સાંસ્કૃતિક વિરાસત ધરાવતી બેટ દ્વારકાના સર્વગ્રાહી પ્રવાસન વૈવિધ્યસભર વિકાસ માટે બેટ દ્વારકા આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના રાજ્ય સરકાર કરશે. રાજ્યના પિરોટન, શિયાળ બેટ અને બેટ દ્વારકા ટાપૂઓના પ્રવાસન વિકાસની વ્યાપક સંભાવનાઓને પ્રાથમિક તબક્કે રૂપિયા 108 કરોડના ખર્ચે વિકાસ કરવા અંગે ગહન ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત 1600 કિ.મી. લાંબો સમુદ્રકિનારો અને 144થી વધુ આયલેન્ડ સ-બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે. તે સંદર્ભમાં ભારત સરકારની આયલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રાજ્યના આયલેન્ડ ટાપૂઓના વિકાસ માટે ગુજરાત સરકારે ગત ઓગસ્ટ માસમાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરેલી છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે આ ટાપૂઓ પર આર્થિક ગતિવિધિ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે.
પિરોટન ટાપૂ પર જવા-આવવા માટે દરિયાઇ ભરતી વેળાની સ્થિતી વિષયક બાબતો અંગે બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સીએમ રૂપાણીએ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને એવું પ્રેરક સૂચન કર્યુ હતું કે પિરોટન, શિયાળ બેટ અને બેટ દ્વારકા આયલેન્ડના પ્રવાસન આકર્ષણ કેન્દ્ર રૂપ વિકાસ માટે ડિટેઇલ્ડ પ્લાનીંગ કરીને વિશ્વના આ ક્ષેત્રના શ્રેષ્ઠ તજ્જ્ઞોની સેવાઓ પણ તેમાં જોડવામાં આવે. પિરોટન ટાપૂની વિશેષતા એવા કોરલ સહિત બર્ડવોચિંગ, લાઇટ હાઉસ વગેરેને પણ પ્રવાસન હેતુસર વિકસીત કરવા સીએમ રૂપાણીએ જણાવ્યું હતું.