ભાજપ જ્યારે પણ કોઈ દાવો કરે ત્યારે તેમાં દમ હોય છે. પરંતુ ગુજરાતમાં યોજાયેલી 6 વિધાનસભાની પેટા ચુંટણીના પરિણામોએ ગુજરાત ભાજપના સંગઠન તથા તેના નેતૃત્વ સામે સવાલો ઊભા કરી દીધા છે. 3 બેઠકો અને તેમાં પણ ભાજપનો દબદબો હોય તેવી થરાદ બેઠક ભાજપે ગુમાવવાને કારણે ભાજપ સંગઠને કરેલા દાવા પર લોકો હાંસી ઊડાવી રહ્યાં છે. જો કે સંગઠનના માહેર અને હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ પરિણામથી ખાસ્સા એવા નારાજ થયા હોવાની માહિતી મળી છે.
પેટા ચુંટણીના પરિણામો અંગે ચર્ચા કરવા માટે શાહે દિલ્હીથી સીધા જ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા. મુખ્યપ્રધાન રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે બંધ બારણે બેઠક કરી હતી. આ બેઠકમાં પેટા ચુંટણીના પરિણામો અંગે શાહે નારાજગી વ્યક્ત કરી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ખખડાવ્યા હોવાની જાણકારી મળી રહી છે.