ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગાંધીનગરથી આણંદ ખાતે તૈયાર થનાર નેશનલ કો ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નવા કાર્યાલયનું વર્ચ્યૂઅલી ખાતમુહૂર્ત કર્યુ હતું. 32 કરોડના ખર્ચે તૈયાર થનાર આ બિલ્ડિંગ સંપૂર્ણ રીતે સોલાર સિસ્ટમથી કાર્યરત થશે. આ આખી ઈમારતને ગ્રીન બિલ્ડિંગના કોન્સેપ્ટથી તૈયાર કરવામાં આવશે. આ પ્રસંગે અમિત શાહે ખેડૂતોના નામે થતી ટેક્સચોરી અટકાવતો એક્શન પ્લાન પણ રજૂ કર્યો હતો.
ખેડૂતો,પશુ પાલકોના બેન્ક એકાઉન્ટ્સઃ ખેડૂતોના નામે થતી ટેક્સ ચોરીને અટકાવવા ગુજરાતમાં એક પ્રયોગ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત બનાસકાંઠા અને પંચમહાલના ખેડૂતો અને પશુપાલકોનું ડિસ્ટ્રિક્ટ બેન્કમાં ખાતુ ખોલવામાં આવ્યું છે. ખેડૂતોને એટીએમ કાર્ડ અને રુપે કાર્ડ પણ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. તેમજ દરેક ડેરીમાં એટીએમ ખોલવામાં આવ્યા છે. હવે ખેડૂત નાનામાં નાની વસ્તુ આ કાર્ડની મદદથી ખરીદી શકે છે અને રોકડ રકમ ડેરીમાં રહેલા એટીએમથી ઉપાડી શકે છે. ખેડૂત ઈ પેમેન્ટ કરતો થશે તેથી આપોઆપ ટેક્સચોરી બંધ થઈ જશે.
રામમંદિર વિશેઃ આજે અમિત શાહે સ્વામીનારાયણ ગુરુકુલ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અમિત શાહે અયોધ્યામાં રામમંદિરમાં થનાર પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અને દેશના અમૃતકાળની શરુઆતને માત્ર આકસ્મિક સંયોગ નથી તેવું જણાવ્યું હતું. તેમણે આ ઘટનાને લીધે દેશ આવનારા 25 વર્ષોમાં વૈશ્વિક સ્તરે અગ્રીમતાથી ઉભરશે તેવું કહ્યું હતું. ભારતને આઝાદ થયે 75 વર્ષ થયા ત્યાંથી 100મી વર્ષગાંઠ સુધીનો સમયગાળો અમૃતકાળ રજૂ કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી અયોધ્યામાં મંદિર બનાવવામાં દેશ અસફળ રહ્યો હતો જ્યારે હવે નરેન્દ્ર મોદીની સરકારમાં સાધુ સંતોના આશીર્વાદ અને પ્રેરણાથી આ કાર્ય પૂર્ણ થવાના માર્ગો સરળ બનતા ગયા. હવે 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામ પોતાના ઘરમાં વિરાજમાન થશે. આજે સમગ્ર વિશ્વમાં આપણા યોગ અને આયુર્વેદને સ્વીકૃતિ મળી રહી છે તેમજ આપણા વેદ, ઉપનિષદ અને દર્શન શાસ્ત્રના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને સમજવા માટે સમગ્ર વિશ્વ તૈયાર છે. ભારતમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ અયોધ્યાનું રામ મંદિર જ નહિ પરંતુ કાશી વિશ્વનાથ કોરિડોર, ઉજ્જૈનમાં મહાકાલ લોક, બદ્રીનાથ ધામ, કેદારનાથ ધામ, સોમનાથ મંદિરને સોને મઢવાનું કામ અને પાવાગઢમાં શક્તિપીઠ જેવા આધ્યાત્મિક ઉન્નતિના કાર્યો પાર પડ્યા છે.