ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશ ઠાકોર મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે. ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પોતાની અને પોતાના સમાજની અવગણના થતી હોવાનું ગાણું ગાઈ તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. તેમજ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, તેઓ પોતાના સામાજિક સંગઠનમાં ફરીથી સક્રિય થશે.
આ અગાઉ તે કોંગ્રેસમાંથી રાધનપુર વિધાનસભા ચૂંટણી લડ્યો હતો અને અહીંથી ધારાસભ્ય પદે ચૂંટાયો હતો. દરમિયાન તેમને પક્ષે બિહારમાં પ્રભારી તરીકેની જવાબદારી પણ આપી હતી. કોંગ્રેસ દ્વારા અલ્પેશને કદ કરતા વધારે મોટી જવાબદારીઓ આપવામાં આવી હતી, પરંતુ બાદમાં કોંગ્રેસનો હાથ છોડતાની સાથે તેને પક્ષમાંથી અને તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરાવવા માટે પક્ષ દ્વારા રજૂઆત કરાઈ હતી. જેની કાર્યવાહી હાલ ચાલુ છે.