- બેન્ડવાજાના માલિકોએ પરવાનગી માટે કરી રજૂઆત
- ગાયકો, ડીજે બાદ હવે બેન્ડવાજાવાળા પણ મેદાને
- ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપી કરી રજૂઆત
ગાંધીનગરઃ સરકારે વર્તમાન પરિસ્થિતિમાં અનેક ધંધાને શરૂ કરવા માટે પરવાનગી નથી આપી, જેમાં બેન્ડબાજાનો પણ સમાવેશ થાય છે. હવે બેન્ડબાજાવાળાઓએ સરકાર સામે બાંયો ચઢાવી દીધી છે. લગ્ન સિઝનમાં બેન્ડબાજાવાળા રોજગારી મેળવી શકે તે માટે મંજૂરી માગવામાં આવી હતી.
બેન્ડવાજાવાળા બીજો ધંધો પણ જાણતા નથી
સંગીત બેન્ડ એસોસિએશને ગાંધીનગરના કલેક્ટરને આવેદનપત્ર આવી લેખિતમાં રજૂઆત કરી હતી. કિરણ દંતાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં આશરે 10 હજાર જેટલા બેન્ડ માલિકો લગ્ન સિઝનમાં બેન્ડ વગાડી રોજગારી મેળવે છે ત્યારે કોરોના વાઈરસના કારણ આ તમામ વાજિંત્ર વાદકોની રોજગારી છીનવાઈ ગઈ છે. બેન્ડબાજા સાથે સંકળાયેલા લોકો તેના સિવાય અન્ય કોઈ ધંધો પણ જાણતા નથી.
ડીજે અને બેન્ડવાજાના માલિકો મેદાનમાં આવ્યા સરકાર મંજૂરી આપશે તો બેન્ડવાજાવાળાઓનું ઘર ચાલશે
હાલમાં આ તમામ લોકો સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે અને લગ્નમાં ફરીથી ડીજેના તાલે જાનૈયાઓ ઝુમતા થાય તે માટે રજૂઆત કરી રહ્યા છે. ગાંધીનગરના કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, અમારા ધંધા-રોજગાર શરૂ થાય તો અમારા પરિવારનું ગુજરાન સારી રીતે થઈ શકે. અમારા ધંધાને પણ સરકાર મંજૂરી આપે તેવી અમારી માગ છે.