ગાંધીનગર : વિશ્વના જળવાયુ પરિવર્તનની ચિંતા કરવી પડે તેવો સમય આવી ગયો છે ત્યારે જાગતિક જવાબદારીની દ્રષ્ટિએ જોઇએ તો શિક્ષણક્ષેત્ર પણ ક્લાયમેન્ટ ચેન્જને લઇ કાર્ય કરી રહ્યું છે. આ અનુષંગે ગાંધીનગરથી મળતાં આ સમાચાર મહત્ત્વના છે. રાજ્યની બધી સરકારી યુનિવર્સિટીઝમાંથી ગુજરાત યુનિવર્સિટીની ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપના માટે પસંદગી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સનો એક્શન પ્લાન તૈયાર થયો છે જેનું વિમોચન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાયું હતું.
પાંચ પ્રકારની કામગીરી : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત યુનિવર્સિટીના ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સની કામગીરીના એકશન પ્લાનનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું. આ એક્શન પ્લાન અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી મુખ્યત્વે પાંચ પ્રકારની કામગીરી કરવાની છે. જેમાં યુનિવર્સિટી ભવનો, કોલેજોમાં સસ્ટેઇનેબલ કેમ્પસ અન્વયે સૌર ઊર્જાનો વપરાશ વધારવા સાથે ઊર્જા કાર્યક્ષમતા અને વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી હાથ ધરાશે.
આ પણ વાંચો Gujarat Govt MoU: ગુજરાત સરકારે ગૂગલ સાથે MOU કર્યા, ITના ઉપયોગથી પરિવર્તનની સરકારને આશા
કોલાબરેશન થશે : ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સમાં વેધર સ્ટેશનની સ્થાપના તેમજ અન્ય યુનિવર્સિટીઓ સાથે અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે ક્લાયમેટ ચેન્જ વિષયને સ્પર્શતું કોલાબરેશન કરવામાં આવશે. ઇન્ડસ્ટ્રી એકેડેમીયા પાર્ટનરશિપ કરવી અને યુનિવર્સિટીની બધી જ વિદ્યાશાખામાં ક્લાયમેટ ચેન્જ વિષયને અભ્યાસક્રમમાં આવરી લેવાની બાબતનો પણ એકશન પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીની પસંદગી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતમાં જલવાયુ પરિવર્તનના પડકારો સામે રાજ્યની યુવાપેઢી સજ્જ થાય અને સંશોધન અભ્યાસ વગેરે થઇ શકે તેવા ધ્યેય સાથે વર્ષ 2021-22 ના બજેટમાં રાજ્યની કોઇ એક સરકારી યુનિવર્સિટીમાં ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ હેતુસર દોઢ કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવેલા હતાં. આ સંદર્ભમાં રાજ્યની બધી જ સરકારી યુનિવર્સિટીઓ પાસેથી મંગાવવામાં આવેલી દરખાસ્તોની ચકાસણી બાદ ગુજરાત યુનિવર્સિટીની ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સ માટે પસંદગી કરવામાં આવી હતી.
આ પણ વાંચો Mission Loksabha 2024: બજેટસત્ર બાદ ધારાસભ્યોની બેઠકનો ધમધમાટ, જવાબદારી સોંપાઇ શકે
કાર્યફલક વિસ્તાર :આ યુનિવર્સિટી દ્વારા છેલ્લા 10 વર્ષથી ક્લાયમેટ ચેન્જનો અલાયદો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત ક્લાયમેટ ચેન્જ હેઠળ યુનિવર્સિટી દ્વારા વિવિધ વિષયોમાં પીએચડી સુધીની ડીગ્રીઓ માટે સંશોધનાત્મક-રિસર્ચ કામગીરી પણ કરવામાં આવેલી છે. ત્યારે હવે આ સેન્ટર ઓફ એક્સલન્સનું કાર્યફલક વધુ વિસ્તારવા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ એક્શન પ્લાનનું વિમોચન કલાયમેટ ચેન્જ વિભાગના પ્રધાન મૂળુ બેરા તથા રાજ્ય પ્રધાન મુકેશ પટેલ અને શિક્ષણ અને ક્લાયમેટ ચેન્જ વિભાગના અધિક મુખ્ય સચિવ હૈદર તેમજ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડયાની ઉપસ્થિતિમાં કર્યુ હતું.