ગાંધીનગર : રાજ્યના આદિવાસી સમાજ દ્વારા કુલ ૯ જેટલી માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી. જેને લઇને અગાઉ પણ ગત અઠવાડિયે એક ખાસ બેઠક મળી હતી. જેમાં તમામ માંગણીઓ લેખિતમાં આદિવાસી સમાજના આગેવાનોએ સરકારને આપી હતી, ત્યારબાદ સાત દિવસ સુધી સરકારે ચર્ચા-વિચારણા કર્યા બાદ આજે ફરીથી કેબિનેટ પ્રધાન ગણપત નિવાસસ્થાન ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી અને તે બેઠકમાં આંદોલન પૂર્ણ થયું હોવાની વાત કરી હતી.
આદિવાસી આંદોલન પૂર્ણ, ખોટા સર્ટી રજૂ કરી સરકારી નોકરી લેનાર અધિકારી વિરુદ્ધ થશે કાર્યવાહી - કેબીનેટ પ્રધાન ગણપત વસાવા
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યના આદિવાસી સમાજ દ્વારા ખોટા સર્ટિફિકેટ અને અન્ય પડતર માંગણીઓને લઈને છેલ્લા કેટલાક દિવસથી આંદોલન અને વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આજે રાજ્યના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જે તમામ માંગણી રાજ્ય સરકારે સ્વીકાર કરીને આંદોલન પૂર્ણ થયું હોવાની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત વસાવાએ રાજ્યમાં આદિવાસીઓને લઈને નવેસરથી ગણતરી કરવાની જાહેરાત પણ કરી છે. જે ટૂંક સમયમાં શરૂ થશે. આ ઉપરાંત વર્ષ 2018માં વિધાનસભાગૃહમાં જે આદિવાસી માટેનો કાયદો બનાવ્યો હતો તેમાં પણ સુધારા અંગેની કામગીરી કરવામાં આવશે.
જ્યારે રાજ્ય સરકારે તો બાહેંધરી આપી દીધી છે, પરંતુ આંદોલનકર્તાઓે અને સમાજના આગેવાનોએ એવી ચીમકી ઉચ્ચારી હતી કે રાજ્ય સરકાર 30 દિવસની અંદર તમામ કામગીરી પૂર્ણ કરશે. જ્યારે અમુક જે માંગણીઓ છે તેને વધુ સમય પણ લાગી શકે છે. તેથી અમે આંદોલન પૂર્ણ કરતા નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં અમે જનજાગૃતિના કાર્યક્રમો કરીશું.