ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવનું આયોજન, કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલાએ યુવા કલાકારોનો ઉત્સાહ વધાર્યો

ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય પશુપાલન પ્રધાન પુરુષોત્તમ રુપાલાએ ઉપસ્થિત રહી યુવા કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપરાંત લોકોને સંબોધન કરતાં કહ્યું કે, વર્ષ 2047 ના વિકસિત ભારતની કમાન પણ આજના યુવા પાસે હશે અને વિકસિત ભારતને સંચાલન કરવાનું કામ પણ આજના યુવાનોનું જ હશે.

રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ
રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ

By ETV Bharat Gujarati Team

Published : Dec 11, 2023, 1:54 PM IST

ગાંધીનગર :રાજ્ય સરકાર દ્વારા યુવા વર્ગની પ્રતિભાને મંચ આપવા અને પ્રોત્સાહિત કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલાએ ઉપસ્થિત રહી યુવા કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે ઉપસ્થિત યુવા કલાકારો અને મહાનુભાવો સહિત તમામ મહેમાનોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી.

રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ : કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો હતો. કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ આ તકે પ્રાસંગિક ઉદબોધન આપ્યા બાદ યુવા કલાકારો, અધિકારીઓ સહિત તમામ મહેમાનોને પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવડાવી હતી.

વિવિધ કૃતિઓની રજૂઆત : ઉલ્લેખનિય છે કે, ગુજરાત નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા જિલ્લા કક્ષાએ યુવા મહોત્સવ અંતર્ગત મોબાઈલ ફોટોગ્રાફી પ્રતિયોગિતા, ચિત્રકલા પ્રતિયોગિતા, સાંસ્કૃતિક કાર્યક્રમ, ભાષણ પ્રતિયોગિતા અને કવિતા લેખન પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા થયેલા પ્રથમ અને દ્વિતીય પ્રતિયોગી દ્વારા આજે રાજ્ય કક્ષાના યુવા મહોત્સવમાં પોતાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

કેન્દ્રીય પ્રધાનની પ્રેરક ઉપસ્થિતિ

કેન્દ્રીય પ્રધાનની પ્રેરક ઉપસ્થિતિ :આ કાર્યક્રમ દરમિયાન યુવાઓનો ઉત્સાહ વધારતા કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ભારતના યુવાધનમાં રહેલું સામર્થ્ય આજે વિશ્વની સમક્ષ આવ્યું છે. એક તરફ અનેક દેશો કોવિડ અને યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. સમગ્ર વિશ્વનો ગ્રોથ રેટ 3.40 છે, ત્યારે આવા વિપરીત સંજોગોમાં પણ ભારતનો ગ્રોથ રેટ 6.4 છે. પરિણામે ભારત દેશ આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા બની છે.

દેશના યુવાનોને હાકલ : કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલાએ વધુમાં કહ્યું કે, આજનો યુવા ભારતની આવતીકાલ છે. વર્ષ 2047 ના વિકસિત ભારતની કમાન પણ આજના યુવા પાસે હશે અને વિકસિત ભારતને સંચાલન કરવાનું કામ પણ આજના યુવાનોનું જ હશે. માત્ર સંચાલન જ નહીં પરંતુ દેશને વધુ સક્ષમ બનાવી આગળ લઈ જવાનો છે અને વિશ્વનું નેતૃત્વ કરવાનું છે. એટલા માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની યુવાપેઢીને સામર્થ્યવાન બનાવવા અનેક પ્રયાસો કરી રહ્યા છે.

યુવાધન દેશની તાકાત :પુરુષોત્તમ રુપાલાએ કહ્યું કે, કોરોનાકાળમાં વેક્સિન બનાવીને દેશને બચાવ્યો, સાથે જ અન્ય દેશોને પણ વેક્સિન આપીને બચાવ્યા, ચંદ્રયાનને ચંદ્ર પર પહોંચાડીને ભારતના યુવાનોએ સમગ્ર વિશ્વને પોતાના સામર્થ્યનો પરિચય કરાવ્યો છે. વડાપ્રધાનને પણ દેશના યુવાનો પાસેથી અનેક અપેક્ષાઓ છે, ત્યારે આજનો યુવાધન પણ દેશના વિકાસ માટે સંકલ્પબદ્ધ થાય તે જરુરી છે.

  1. ગુજરાતની સંસ્કૃતિને ચિત્ર સ્વરૂપે દર્શાવવા ગાંધીનગર મનપા કરશે 33 કરોડનો ખર્ચ, વાઈબ્રન્ટ સમીટના મહેમાનોને આકર્ષવાનો પ્રયાસ
  2. ' તમને સૌને મતાધિકાર મેળવવાની પ્રેરણા આપવા આજે ચૂંટણી તંત્ર તમારા દ્વારે આવ્યું ': પ્રેરક અપીલ કરતાં પી ભારતી

ABOUT THE AUTHOR

...view details