- ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે નવનિયુક્ત જિલ્લા અને મહાનગરના પ્રમુખોની બેઠક યોજાઇ
- પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે નિયુક્ત આગેવાનોને અભિનંદન પાઠવ્યા
- બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની વ્યૂહરચના અંગે ચર્ચા
ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે શુક્રવારે પ્રશિક્ષણ વર્ગ અને નવા નિમાયેલા જિલ્લા મહાનગરોના પ્રમુખની બેઠક મળી હતી. આ બેઠક વિશે બોલતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના દરેક મંડળના આયોજન અંગે ભાજપના જિલ્લા અને મહાનગરના પ્રમુખો તેમજ પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ સહિત બેઠક યોજાઇ હતી. આ બેઠકના પૂર્વે ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ ઉપાધ્યક્ષ અને પ્રશિક્ષણ ઇન્ચાર્જ ભાર્ગવ ભટ્ટની ઉપસ્થિતિમાં અભ્યાસ વર્ગની બેઠક પણ યોજાઇ હતી.
ભાજપ પ્રદેશ પ્રમુખે પેજ કમિટીની રચના અંગે માર્ગદર્શન આપ્યું
ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે આગામી સમય માટે ભાજપા જિલ્લા પ્રમુખની જવાબદારી માટે નિયુક્ત થયેલા સૌ આગેવાનોને શુભેચ્છા પાઠવી હતી. શુક્રવારે યોજાયેલી બેઠકમાં આગામી સમયમાં યોજાનારા પ્રશિક્ષણ વર્ગ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે બેઠકમાં ઉપસ્થિત સૌ આગેવાનો અને પ્રશિક્ષણ વર્ગના સુચારું આયોજન અંગે વિસ્તારપૂર્વક છણાવટ કરી હતી.