- કોંગ્રેસના ધારાસભ્યોની યોજાશે બેઠક
- વિધાનસભાના 4 કલાકે યોજાશે બેઠક
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે થશે ચર્ચા
ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે દિવસો ગણાઈ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના બેઠકરૂમમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવાની સૂચના પક્ષ તરફથી આપવામાં આવી છે.
જવાબદારી બાબતે થશે ચર્ચા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ ધારાસભ્યોને તમામ વિસ્તારોની જવાબદારી આપવામાં આવી શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેર કોંગ્રેસના ધારાસભ્યોને કોર્પોરેશનની જવાબદારી આપવામાં આવશે. આ સાથે જ જિલ્લા અને તાલુકા કક્ષાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યોને જવાબદારી આપવામાં આવી શકે તેમ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પ્રાથમિક આયોજન
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પ્રાથમિક આયોજન પણ કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ કયાં મુદ્દા સાથે કોર્પોરેશન ઇલેક્શન અને તાલુકા તથા જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં ચૂંટણીના મેદાને ઊતરશે તે બાબતની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે.
રાજીવ સાત્વ પણ હાજર રહે તેવી શક્યતાઓ
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ ગુજરાતના પ્રવાસે છે. મંગળવારે તેઓ પત્રકાર પરિષદ પણ સંબોધવાના છે, ત્યારે સાંજે ગાંધીનગર વિધાનસભાના ચોથા માળે કોંગ્રેસ પક્ષના કાર્યાલયમાં એક ખાસ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે ત્યારે આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ હાજર રહે તેવી પણ શક્યતાઓ સેવાય રહી છે.
ધારાસભ્યોને ખાસ જવાબદારી ??
આમ ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત્ત અઠવાડિયે જ કોંગ્રેસ પક્ષના આગેવાનોએ ચૂંટણીપંચ આયોગને ચૂંટણીલક્ષી આવેદનપત્ર પણ આપ્યું હતું, ત્યારે ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પણ ખાસ જવાબદારી ધારાસભ્યોને સભ્યોને આપવામાં આવશે.