ગાંધીનગર : આંગણવાડી કેન્દ્રોના 3થી 6 વર્ષના 16 લાખ બાળકોને અઠવાડિક એક કિલોગ્રામ સુખડી પ્રમાણે સમગ્ર જૂન માસ દરમિયાન ચાર સપ્તાહની કુલ 63 લાખ કિલોગ્રામ સુખડીનું વિતરણ કરી પૂરક પોષણની સેવાઓ અવિરત પણે કાર્યરત કરવામાં આવી રહી છે. આમ જૂલાઈ-2020માં પણ સુખડી વિતરણની કામગીરી ચાલુ રખવામાં આવી છે.
ચોમાસાની સીઝન નજીક હોવાથી આંગણવાડી કેન્દ્રોમાં બચી રહેલા અનાજના જથ્થાનો ઉપયોગ કરી આંગણવાડી કેન્દ્રોમાં સુખડી બનાવી કાર્યકરો અને તેડાગર બહેનો દ્વારા પેપર બેગ તથા સ્થાનિક રીતે અનુકૂળ હોય તે મુજબ પેકિંગ કરે છે. રાજ્યના લાખો લાભાર્થીઓને દર અઠવાડિયે એક કિલોગ્રામ સુખડી બાળકોના ઘરે વિતરણ કરવામાં આવે છે. એક કિલોગ્રામ સુખડી દ્વારા 4273 કિલો કેલેરી અને 91.67 ગ્રામ પ્રોટીન બાળકોને મળી રહે છે.
રાજ્યની 53 હજારથી વધુ આંગણવાડીના બાળકોને જૂન માસમાં 63 લાખ કિલોગ્રામ સુખડી વિતરણ કરાયું - ગાંધીનગર વિધાનસભા
રાજ્યની 53 હજારથી વધુ આંગણવાડી કેન્દ્રો કોરોના લોકડાઉનના કારણે તારીખ 16 માર્ચ 2020થી બંધ રાખવામાં આવી છે. 3થી 6 વર્ષના બાળકો આંગણવાડીમાં આવતા નહીં હોવાથી પૂરક પોષણથી વંચિત ન રહે તે માટે અંદાજે 16 લાખ જેટલા બાળકોને તારીખ 18 માર્ચથી 31મી મે-2020 સુધીમાં બાળકોને રોજના 166 ગ્રામના હોટ કૂક મિલની અવેજીમાં બાલશક્તિના પેકેટ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો દ્વારા બાળકોને ઘરે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. આમ રૂ. 87.4 કરોડના ખર્ચે 16,525.73 મેટ્રિક ટન બાલશક્તિના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું એમ આઇસીડીએસના નિયામક અશોક શર્માએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની કપરી પરિસ્થિતિમાં 33 જિલ્લાઓ, મહાનગરો, નગરો અને ગામડાઓમાં છ માસથી ત્રણ વર્ષના 18.93 લાખ બાળકો તથા 3 થી 6 વર્ષના 16 લાખ બાળકોને બાલશક્તિના બે સપ્તાહના ચાર પેકેટ (બે કિલોગ્રામ), 13.36 લાખ કિશોરીઓને એક મહિનાના ચાર લેખે પૂર્ણા શક્તિ અને 7.51 લાખ સગર્ભા અને ધાત્રી માતાઓને એક મહિનાના ચાર લેખે ‘માતૃશક્તિ’ના પેકેટ નિયમિત રીતે આંગણવાડી વર્કર્સ દ્વારા ઘરે ઘરે પહોંચાડી વિતરણ કરવામાં આવ્યુ છે. આ સમગ્ર વિતરણ પ્રવૃત્તિ પર સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર ગાંધીનગર મારફત દેખરેખ રાખવામાં આવે છે. આ સેન્ટર દ્વારા 2.65 લાખ એસ.એમ.એસ અને 1300 જેટલા ફોન કોલ કરી ટી.એચ.આર પહોંચાડવા બાબતે માહિતી મેળવી મોનિટરિંગ કરવામાં આવે છે.