ગાંધીનગરઃ જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામમા નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરને વર્ષ 2015માં નવું બનાવવામાં આવ્યું હતું. ધામધૂમથી રંગેચંગે ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી, તે સમયે મંદિરમાં રહેલી 400 વર્ષ પુરાણી મૂર્તિઓને કેનાલમાં પધરાવી દીધી હતી અને ત્યારબાદ નવા મંદિરમાં નવી મૂર્તિઓ સાથે ભગવાનને બેસાડવામાં આવ્યા હતા. પરંતુ જૂની મૂર્તિઓને પધરાવી દેવાના કારણે ગામમાં જ વિવાદ ઊભો થયો હતો.
ગાંધીનગરના વાસણા રાઠોડમાં 400 વર્ષ જૂની ભગવાનની મૂર્તિઓ કેનાલમાં પધરાવી દેવાતા વિવાદ - idols of God were thrown into the canal
દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરની મૂર્તિઓ કેનાલમાં પધરાવી દીધા બાદ વિવાદ થતાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી કેનાલમાં જે જગ્યાએ મૂર્તિઓ પધરાવી દીધી હતી. ત્યાં હવે શોધખોળ કડી બહાર લાવવામાં આવી રહી છે.

મંદિરના ટ્રસ્ટીએ કહ્યું કે વર્ષ 2015માં નવું મંદિર બનાવ્યા બાદ પાંચ મૂર્તિઓને કેનાલમાં પધરાવી દીધી હતી. તેમાં ધોળેશ્વર, કાલેશ્વર મહાદેવ, નંદી, નંદીની પાસે રાખવામાં આવતો કાચબો અને હનુમાનજીની મૂર્તિને પધરાવી દીધી હતી. પરંતુ ગામમાં સતત વિવાદ થતાં છેલ્લા ત્રણ દિવસથી આ મૂર્તિઓની કેનાલમાંથી શોધખોળ કરવામાં આવી રહી છે. જેમાં હજુ સુધી હનુમાનજીની મૂર્તિ મળી આવી નથી. આ તમામ મૂર્તિઓ મળી આવ્યા બાદ તેને મંદિર પરિસરમાં મ્યુઝિયમ બનાવીને રાખવામાં આવશે.
બીજી તરફ ગ્રામજનો દ્વારા મહેલના તરવૈયાઓને બોલાવીને મૂર્તિઓની શોધખોળ કરવામાં આવી રહી હતી. પરંતુ પોલીસને આ બાબતની ખબર પડ્યા બાદ કેનાલમાં ઉતરવાની મનાઈ ફરમાવી દીધી છે. જેને લઇને મંજૂરી સહિતની પ્રક્રિયા લીધા બાદ આ શોધખોળની પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવશે. હાલ તો ભગવાનની મૂર્તિઓ નહીં મળવાના કારણે ગ્રામજનો પણ ઉચાટ અનુભવી રહ્યા છે. જો કે ગ્રામજનોનું માનીએ તો તેમનું કહેવું છે કે, આ ભગવાન તેમને હેરાન કરી રહ્યા છે. જે લોકો મૂર્તિઓ પધરાવવામાં જઈ રહ્યા હતા, તે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તેના પરિણામે જ મૂર્તિઓને શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.