ગાંધીનગર: બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગુજરાતમાં ચાર વોટર એરોડ્રોમ ઉભા કરી હવાઇ સેવા શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકશે. ભારત સરકારની રિજીયોનલ કનેક્ટિવિટી સ્કીમ RCS ઊડાન 3 અને 4 અંતર્ગત આ ચાર વોટર એરોડ્રોમ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ, સરદાર સરોવર ડેમ, નર્મદા-કેવડીયા, શેત્રુંજ્ય ડેમ પાલિતાણા અને ધરોઇ ડેમ મહેસાણા ખાતે વિકસાવી હવાઇ સેવા શરૂ કરવામાં આવશે. આ હેતુસર રાજ્ય સરકારે 1 થી 2.5 એકર જમીન જરૂરિયાતના આધારે ઉપલબ્ધ કરાવવાની રહેશે. એટલું જ નહિ, ભવિષ્યમાં ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા મંજૂરી મળ્યેથી અન્ય સ્થળોએ પણ એરોડ્રોમ ઉભા કરીને હવાઇ સેવાઓનો વ્યાપ વિસ્તારવામાં આવશે.
વોટર એરોડ્રોમ એ ખુલ્લા પાણીનો એક વિસ્તાર છે તેનો ઉપયોગ એમ્ફીબિયસ વિમાન દ્વારા ઉતરાણ અને ઉડાણ માટે થઇ શકે છે. તદુપરાંત ટ્રાફિકને આધારે વોટર એરોડ્રોમના કિનારે વિમાનો પાર્ક કરી શકાય છે અને જમીનની બાજુએ ટર્મિનલ બિલ્ડિંગ હોઇ શકે છે. કેટલાક ટાપુના દેશોમાં, ખાસ કરીને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ જેવા સમૃદ્ધ દેશોમાં આવા વોટરડ્રોમ્સ જોવા મળે છે. ઉપરાંત કેનેડામાં ગ્રેટ સ્લેવ તળાવ પર યલોનાઇફ, વેનકુવર આઇલેન્ડ પર ટોફિનો અને શ્વાટકા તળાવ પર વ્હાઇટહોર્સનો સમાવેશ થાય.