- ગાંધીનગર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોના મોત
- અકસ્માતમાં મોત થતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે
- પોલીસે ફરિયાદના આધારે તમામ આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે
ગાંધીનગરઃ તાલુકાના હિંમતનગર-ચિલોડા હાઈવે પર સોમવારે સવારે ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા મહિલાનું મોત થયું હતું. અમદાવાદ થલતેજ ખાતે રહેતા 26 વર્ષીય દિવ્યાબેન હિરેનભાઈ સથવારા પતિ સાથે બાઈક પર પ્રાંતિજથી અમદાવાદ આવી રહ્યા હતા. સવારે સાડા આઠ વાગ્યાના સુમારે ચંદ્રાલા ખાતે પેટ્રોલપંપ પાસે GJ.02.Z-5096 નંબરના ટ્રક ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી હતી. જેમાં રોડ પર પટકાયેલા મહિલા પર ટ્રકનું પાછળનું ટાયર ફરી વળ્યું હતું, જેમાં ગંભીર રીતે ઘાયલ મહિલાને છાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી ગાંધીનગર સિવિલ લવાયા હતા. જ્યાં 10 વાગ્યાના સુમારે ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતને પગલે ચિલોડા પોલીસે ટ્રક સામે સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વાસણીયા મહાદેવ પાસે 25 વર્ષીય યુવક
રાંધેજા કૃષ્ણનગર ખાતે રહેતા 25 વર્ષીય યુવક લક્ષ્મણજી મનુજી ઠાકોરની સગાઈ માણસા તાલુકાના સમૌ ગામ ખાતે થઈ હતી. રવિવારે સાંજે યુવક બાઈક લઈને ફિયાન્સીને મળવા માટે નીકળ્યો હતો. ત્યારે રાંધેજાથી માણસા તરફ જતા વાસણીયા મહાદેવ મંદિરથી થોડે આગળ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી. રોડ પર પટકાયેલા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાને પગલે પરિવારને જાણ કરતા યુવકના પિતા તથા બે ભાઈઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં રોડની કિનારેએ યુવકની મૃતદેહ જોવા મળ્યો હતો, મૃતકની હાલત જોઈને પરિવારને રડી પડ્યો હતો. ઘટનાને પગલે મૃતકના મોટાભાઈ ગોપાલજી ઠાકોરની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.