ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે ભાજપ દ્વારા તાત્કાલિક ધોરણે ખરીદ-વેચાણ સંઘ ઉભો કરવામાં આવે છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોને નાણાંની લાલચ આપીને ખરીદી લેવામાં આવે છે. 26 માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠક માટે ભાજપે અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરી અમિનને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે શક્તિસિંહ અને ભરતસિંહને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જેથી ભાજપ વર્તમાન સ્થિતિને જાળવી રાખવા માટે ધારાસભ્યોને ખરીદવા મેદાનમાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, લીમડીના ધારાસભ્ય સોમા પટેલ અને ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ શનિવારે મોડી રાત્રિએ વિધાનસભાના અધ્યક્ષના બંગલે રાજીનામું આપ્યું હતું. બીજી તરફ ડાંગના ધારાસભ્ય મંગળ ગાવીત અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જે કેટલાય સમયથી ચર્ચાનું કેન્દ્ર રહ્યાં હતા અને ભાજપનો કેસરીયો ધારણ કરવાની ચર્ચાઓ વચ્ચે રવિવારે રાજીનામું આપી દીધું હોવાની માહિતી મળી રહી છે. આ તમામ ધારાસભ્યો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે, જેની માહિતી વિધાનસભા અધ્યક્ષ દ્વારા સોમવારે વિધાનસભા ગૃહમાં જાહેર કરવામાં આવશે. તેમ પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.