વડોદરા: ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ ટીમને બાતમી મળી હતી કે, ડભોઇ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારનાં તિલકવાડા રોડ ઉપર મોટી માત્રામાં વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે. ત્યારે આ જગ્યાએ દરોડો પાડતા ત્યાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અલગ-અલગ બ્રાન્ડની 1526 જેટલી બોટલ કે જેની કિંમત 2 લાખ 14 હજાર 340 રૂપિયા જેટલી થાય છે, તેમજ 6 મોબાઈલ ફોન, સહિત કેટલાંક વાહનો મળીને 5 લાખ 90 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Dabhoi Bootleggers caught: સ્ટેટ મોનિટરિંગ સેલનો ડભોઇ પોલીસ સ્ટેશનની હદમાં સપાટો, વિદેશી દારૂનો વેપલો કરતાં 4 બુટલેગરોની કરી ધરપકડ,
ડભોઇ પોલીસ સ્ટેશનની હદમાં આવતા નાંદોદી ભાગોળ વિસ્તારમાં નામચીન બુટલેગરો દ્વારા ચાલતા વિદેશી દારૂના મોટાં પાયે વેપલાનો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ ટીમે પર્દાફાશ કર્યો છે, અને ડભોઈ પોલીસને પણ ઉંઘતી ઝડપી પાડી છે. સ્ટેટ મોનિટરિંગ ટીમે ડભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં સપાટો બોલાવ્યો હતો. અને 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતાં, જ્યારે તેમને મદદ કરતા 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
Published : Nov 1, 2023, 12:36 PM IST
|Updated : Nov 1, 2023, 1:33 PM IST
બેફામ વિદેશી દારૂનો વેપલો: જાણવા મળતી માહિતી અનુસાર, ડભોઈમાં છેલ્લાં ઘણા સમયથી નામચીન બુટલેગરો દ્વારા ડભોઇ અને તાલુકામાં વિદેશી દારૂનો બેફામ વેપલો ચલાવવામાં આવતો હતો, એટલું જ નહીં નંબર પ્લેટ વગરનાં વાહનોનો ઉપયોગ કરીને બુટલેગરો ગ્રાહકોને હોમ ડિલિવરી પણ પુરી પાડતા હતાં. હાલ ડભોઇ પોલીસ સ્ટેશનની હદમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વેપલો ઝડપી પાડયો છે, અને બીજી તરફ સ્થાનિક પોલીસ તંત્રને પણ ઊંઘતું ઝડપી પાડ્યું છે. બીજી તરફ ડભોઇ નગરમાં બેફામ નંબર પ્લેટ વગરના વાહનો સાથે વાહનચાલકો જોવા મળતા હોય છે. તેની સામે પણ પોલીસ કોઈ નક્કર કાર્યવાહી કરતી નથી તેને લઈને પણ લોકોમાં પોલીસ પ્રત્યે નારાજગી છે. કારણ કે આવા નંબર પ્લેટ વગરના વાહનો દ્વારા કોઈપણ ગુનાહીત કૃત્યમાં ઉપયોગ કરી શકાય છે.
4 બુટલેગર ઝડપાયા,4 ફરાર:ડભોઇ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા કરવામાં કરેલી કાર્યવાહીમાં 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યાં છે. ઝડપાયેલા આરોપીઓમાં પીન્ટુ નાથ ઉર્ફે બન્ટુ રમણનાથ નાથબાવા, અજય ઉર્ફે બુધો ભગવાનસિંહ રાઠોડ રહે, આકાશ વિપુલભાઈ પાધયા અને ગિરીશભાઈ બાબુભાઈ જયસ્વાલનો સમાવેશ થાય છે. જ્યારે આ બુટલેગરોને મદદ કરતાં રાજુભાઈ, ધવલભાઈ, વિરાજભાઈ અને રામસિંગ રાઠવા નામના ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. તો ઝડપાયેલા ચારેય ઇસમોને ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરી ક્રોસ તપાસ અર્થે વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવ્યાં હતાં.