ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૨૨મી બેઠકના અધ્યક્ષ સ્થાનેથી આ સૂચનો કર્યા હતા. તેમણે આ વન્ય પ્રાણી વિસ્તારોમાં જ્યાં ઘાસ કે ઝાડ ન હોય અને ખુલ્લી જમીનો હોય તેનો પણ સર્વે હાથ ધરવાનું પ્રેરક સૂચન પણ આ બેઠકમાં કર્યું હતું.
આ બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયો : બાલારામ-અંબાજી અભયારણ્યના ઇકો સેન્સિટીવ ઝોન વિસ્તારમાં તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી બ્રોડગેજ રેલવે લાઈન નાખવાની પ્રપોઝલ સ્ટેટ બોર્ડની ભલામણો સાથે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફમાં મોકલવા નિર્ણય લેવાયો છે. ગીર અભયારણ્ય અને રાજ્યના જુદા-જુદા અભયારણ્યોમાં હયાત કાચા રસ્તા-નાળા-પુલ પહોળા કરવા- અંડરગ્રાઇન્ડ પાઇપલાઇન-66 KV સબ સ્ટેશન સહિતની દરખાસ્તોને અનુમતિ અપાઇ છે.જૂનાગઢ જિલ્લાની મઘરડી નાની સિંચાઈ યોજનામાં જંગલની જમીન ઉપયોગમાં લેવાના બદલાની જમીનમાં પ્રેમપરાની 38.23 હેક્ટર જમીનને વન્ય પ્રાણી સંરક્ષણ ધારા-1972 અંતર્ગત આ વર્ષે પ્રેમપરા અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલી છે તેમ જણાવવામાં આવ્યું હતું.
રાજ્યના અભયારણ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલા તથા હાથ ધરાનારા મોટા પ્રોજેક્ટસનું એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવા વન વિભાગને સૂચનો કર્યા છે. વન્ય અભ્યારણ્ય વિસ્તારોમાં રેલવે લાઈન, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન, ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક જેવા પ્રોજેક્ટથી થતી પર્યાવરણીય અસરો વિષયક અભ્યાસ થવો જોઈએ. આ વન્ય પ્રાણી વિસ્તારોમાં જ્યાં ઘાસ કે ઝાડ ન હોય અને ખુલ્લી જમીનો હોય તેનો પણ સર્વે હાથ ધરવાનું સૂચન કર્યું છે...ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન)
ઇકો સેન્સિટીવ ઝોનની નવી દરખાસ્તો રજૂ : સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની આ 22મી બેઠકમાં રાજ્યના ગીર, જાંબુઘોડા, પૂર્ણા, જેસોર, નારાયણ સરોવર, કચ્છ અભયારણ્ય સહિતના અભયારણ્યમાં હયાત કાચા રસ્તા, નાળા-પૂલીયાને પહોળા કરવા કે મરામત કરવી તેમજ 66 KV સબ સ્ટેશન અને વીજ લાઈન તેમજ IOCની અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન, જેવી દરખાસ્તો વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની કલમ-29ની જોગવાઈઓ ધ્યાને રાખીને મંજૂર કરવામાં આવી હતી. વનપ્રધાન મુળૂભાઇ બેરા અને રાજ્યપ્રધાન મુકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ઇકો સેન્સિટીવ ઝોનમાં આવતી કેટલીક નવી દરખાસ્તો પણ રજૂ કરવામાં આવી હતી.