ગાંધીનગર : સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૧ના નર્મદા હોલ ખાતે મળેલી કલેકટર કોન્ફરન્સમાં બુલેટ ટ્રેનના મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બુલેટ ટ્રેન જે જિલ્લામાંથી પસાર થઈ રહી છે તે તમામ જીલ્લામાંથી જમીન સંપાદનનું કામ કેટલે સુધી પહોંચ્યું અને ખેડૂતોને કેટલું ચુકવણું કરવામાં આવ્યું તે બાબતને લઇ રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે ૮૦ ટકા જેટલી જમીન બુલેટ ટ્રેન માટે સંપાદન કરવામાં આવી છે. જ્યારે ૨૦ ટકા જમીન હજુ પણ જંત્રીના ભાવ અને બજારભાવ આ બંને વચ્ચે અટવાયો છે.
બુલેટ ટ્રેન પ્રોજેકટ : ખેડૂતોને 2100 કરોડની ચુકવણી, સુરતના 14, નવસારીના 8 અને વલસાડના 2 ગામની જમીન સંપાદન બાકી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે અમદાવાદથી મુંબઇ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. જેમાં રાજ્ય સરકારે બુલેટ ટ્રેન જે આઠ જિલ્લાઓમાંથી પસાર થવાની છે તે જિલ્લાઓમાંથી જમીન સંપાદનની કામગીરી 80 ટકા સુધી પૂર્ણ કરી હોવાનું નિવેદન રાજ્યના મહેસૂલ સચિવ કૌશિક પટેલ એ આપ્યું હતું. જ્યારે ફક્ત 24 જેટલા ગામને કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો હોવાનું નિવેદન પણ મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ એ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુરત વલસાડ અને નવસારીના કુલ 24 ગામમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. તે જમીનના ભાવ જંત્રી પ્રમાણેની આકારણીમાં ક્યાંક ભૂલચૂક થઈ ગઈ હોય તેના કારણે કામ અટકાવ્યું છે અને હજુ સુધી જમીન સંપાદન થઇ નથી. નોંધનીય છે કે અત્યાર સુધીમાં 80 ટકા જેટલી જમીન બુલેટ ટ્રેન માટે સંપાદન કરવામાં આવી છે. જેમાં ૨૧00 કરોડ રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી છે.
મહેસુલપ્રધાન કૌશિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે આજે રાજ્યના તમામ શહેરોના કલેકટર સાથે અને ગાંધીનગર રેવન્યુ વિભાગ સાથે કોન્ફ્રરન્સ કરવામાં આવી હતી. જેમાં મહેસુલ વિભાગની તમામ કામગીરીની રિવ્યુ કરવામાં આવી છે. કોંફરન્સના પ્રથમ સેશનમાં સીએમની ઓફિસમાં સીએમ ડેસ્ક બોર્ડ બાબતે ચર્ચા કરી દરેક જિલ્લાના પરફોર્મન્સ રિવ્યુ કરાયો હતો. જ્યારે મહેસૂલના કેસોને લઈને રાજ્ય સરકારની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટિમ દ્વારા 450 કેસો અલગ જિલ્લામાં નોંધાયા છે. જેમાં 70 ટકા કેસો ગુનેગારોને સજા થાય તેવા કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે મહેસૂલને લાગતી કામગીરીમાં ધારાસભ્યોની રજુઆતની નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
• આજની કલેકટર કોન્ફ્રન્સમાં લીધેલ મહત્વના નિર્ણયો
1. રાજ્યમાં ખેડૂતોની જમીનમાં દસ્તાવેજમાં સાત-બારનો ઉતારો મહત્વનો હોય છે તેના બદલે હવે રાજ્ય સરકાર પ્રોપર્ટી કાર્ડ આપશે જે પ્રોપર્ટીકાર્ડ 30 જૂન સુધી તમામ ખેડૂતોને આપવામાં આવશે.
2. રાજ્યમાં સરકારી જમીન પર અનેક દબાણો જોવા મળી રહ્યા છે. જેમાં સરકારે તમામ કલેક્ટરોને સરકારી જમીન પરના દબાણનો રેકોર્ડ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. રેકોર્ડ તૈયાર થયા બાદ રાજ્યમાં તમામ સરકારી જગ્યા પરથી ટુંક સમયમાં દબાણ દૂર કરવામાં આવશે.
3. જાહેર જનતાને મકાન, પ્રોપર્ટીના દસ્તાવેજ બનાવવા માટે સબ રજીસ્ટરને ત્યાં જવું પડતું હતું અને ટોકન લઈને બેસવાનો વારો આવતો હતો પણ હવે ટોકન લેવા માટે ઓનલાઈન અરજી કરવી પડશે જેથી સમયનો વ્યવ ન થાય. આ પાયલોટ પ્રોજેકટ 17 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે.