નેતાઓને ખુશ કરવા વાસ્મો 'નલ સે જલ' યોજનાને જાહેર કરવા 2000 લોકોના જીવ જોખમમાં મુકશે - નલ સે જલ' યોજના
રાજ્યમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે વાસ્મો દ્વારા 2જી ઓક્ટોબર, ગાંધી જયંતિના રોજ 'નલ સે જલ યોજના' પાંચ જિલ્લામાં જાહેર કરવામાં આવશે. 15 ઓગસ્ટના રોજ મુખ્યપ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે પાંચ જિલ્લામાં ટાઉન હોલની અંદર આ કાર્યક્રમ યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને ગામડામાંથી 400 લોકોને બોલાવવાનો ટાર્ગેટ અપાયો છે. એક તરફ કોરોના વાઇરસ ચારેબાજુ ફેલાઇ રહ્યો છે, ત્યારે અધિકારીઓ નેતાઓને વહાલા થવા માટે પાંચ જિલ્લાના બે હજાર લોકોના જીવ જોખમમાં મુકશે.
ગાંધીનગર: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઇરસ બેકાબુ બન્યો છે. અમદાવાદના કેટલાક વિસ્તારમાં વાઇરસને કાબુમાં લેવા માટે રાત્રિના દસ કલાક પછી ખાણીપીણી બજાર બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તે પછી અનેક શહેરોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, કોરોના વાઇરસ અટકાવવા માટે લોકડાઉન કરવામાં આવશે. રાજ્યમાં નવરાત્રી તહેવાર નજીક આવી રહ્યો છે, પરંતુ સરકાર દ્વારા નવરાત્રીની પણ મંજૂરી આપવામાં આવી નથી. આવી સ્થિતિ વચ્ચે વડાપ્રધાનના સ્વપ્ન સમાન 'નલ સે જલ યોજના'ને પૂર્ણ કરનારા પાંચ જિલ્લાને જાહેર કરવામાં આવશે.
15 ઓગસ્ટના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 2જી ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ 'નલ સે જલ યોજના' પાંચ જિલ્લામાં જાહેર કરવામાં આવી હતી. જેને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. ગાંધીનગર શહેરમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ઓડિટોરિયમ હોલમા કાર્યક્રમ યોજાશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમના કાર્યાલયમાં રહીને ઇ-લોકાર્પણ કરશે.
રાજ્યના આણંદ, પોરબંદર, ગાંધીનગર, મહેસાણા અને બોટાદ જિલ્લામાં આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં તંત્ર દ્વારા 400 લોકોને એકઠા કરવાનો ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે, ત્યારે પાંચ જિલ્લામાં 2000 લોકો બંધ હોલમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે એકઠા થશે અને સરકાર પોતાની વાહ-વાહી કરાવશે. બીજી તરફ કોરોના વાઇરસમાં સામાન્ય લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે. પરંતુ સરકારમાં રૂપિયા નથી રહ્યા હવે, તેવું જાહેર કરી રહી છે. તેવા સમય આ જિલ્લામાં આ પ્રકારનો કાર્યક્રમ કેટલા અંશે વાજબી છે ? સામાન્ય લોકોને કોરોના વાઇરસમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ધાર્મિક મેળાવડાઓ નહીં કરવા માટે અપીલ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ સરકારનું તંત્ર પોતાની વાહ-વાહી માટે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે.