- ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી
- ઑક્સિજનના અભાવે 20 દર્દીઓ મોતને ભેટ્યા
- નવા વર્ષે જ ઘટી કરુણાંતિકા
ગાંધીનગર: રાજ્યમાં દિવાળીના તહેવારો પહેલા કોરોના વાઇરસ ધીમો પડી ગયો હતો. 24 કલાકમાં 1000 કરતા ઓછા કેસ સરકારી ચોપડે નોંધાતા હતા, પરંતુ દિવાળી બાદ એકાએક કોરોના વાઇરસના આંકડા શેરબજારના સેન્સેક્સની જેમ ઉછળવા લાગ્યા છે, ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં એક જ દિવસમાં 20 જેટલા કોરોના દર્દીઓને પૂરતો ઑક્સિજન ન મળતા તેમણે નવા વર્ષે દુનિયાને અલવિદા કહ્યું હતું.
આ દર્દીઓમાં 3 દર્દીઓ પોઝિટિવ બાદ નેગેટીવ થયા હતા અને તેમને ICU વોર્ડમાં રાખવામાં આવ્યા હતા તેમનો પણ સમાવેશ થાય છે.
તહેવારોના દિવસોમાં 25 દર્દીઓએ જીવ ગુમાવ્યો
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નવા વર્ષની મધ્યરાત્રીએ એટલે કે, 2 કલાકના અરસામાં દર્દીઓને આપવામાં આવતાં ઑક્સિજનનું પ્રમાણ એકાએક ઘટી ગયું હતું. ઑક્સિજનનો વાલ્વ સમયસર ખોલવામાં આવ્યો ન હતો અને તેના પરિણામે જ એક જ રાતમાં 20 દર્દીઓએ દમ તોડયો હતો. એક અહેવાલ મુજબ તહેવારોના 3 દિવસ દરમિયાન 25 જેટલા લોકોએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો છે.
સુપરિન્ટેન્ડન્ટે આપ્યો ઘટનાને રદિયો
આ બાબતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. નિયતિબેન લાખાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારનો કોઈ બનાવ બનવા પામ્યો નથી. સિવિલ હોસ્પિટલ પાસે પૂરતા પ્રમાણમાં ઑક્સિજનનો કોટા છે. ઑક્સિજન માપવામાં પણ આવી રહ્યો છે, ત્યારે આ માત્ર એક અફવા છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રિટેન્ડન્ટ આ બાબતે પોતાનો ખુલાસો કરી રહ્યા છે. પરંતુ એક જ દિવસમાં 20 લોકોના મોત બાદ જોનલ ઓફિસર પણ રાઉન્ડ લેતા થઈ ગયા છે. આ પહેલા તેઓ ભાગ્યે જ રાઉન્ડ લેવા માટે જતા હતા, પરંતુ મોટી ઘટના બનવાના કારણે તે પણ સિવિલમાં આંટાફેરા મારતા થઇ ગયા છે.