- ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નવા 196 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે
- સિવિલમાં ટોટલ 340થી વધુ કેમેરા લાગેલા જોવા મળશે
- પ્રાયોરિટીવાળી જગ્યાએ બેથી ત્રણ મહિનામાં લગાવવામાં આવશે નવા કેમેરાઓ
ગાંધીનગરઃ સિવિલ કેમ્પસમાં (Civil Campus)પ્રાયોરિટીવાળી જગ્યાએ સીસીટીવી ના હોવાના કારણે ગુનેગારો સુધી પહોંચવા માટે પોલીસને મુશ્કેલીઓ પડતી હતી. ગુનાહિત અને ગેરકાયદેસર પ્રત્તિઓ આ પહેલા સામે આવી હતી. એ જગ્યા પર સીસીટીવી જ લાગેલા નહોતા. પોલીસ સીસીટીવીના આધારે ગુનેગારો સુધી સરળતાથી પહોંચી શકે છે. ગાંધીનગર સિવિલમાં સીસીટીવી કેમેરાનો (CCTV cameras in Gandhinagar Civil)અભાવ હતો પરંતુ હવે નવા સીસીટીવી કેમેરા બે થી ત્રણ મહિનામાં લગાવવામાં આવશે. ખાસ કરીને સિવિલ કેમ્પસમાં વિવિધ વિભાગોની બહાર ઉપરાંત કેમ્પસના ફરતે આઉટડોર સાઈડ તેમજ તમામ ગેટની બહાર વધુ કેમેરા લગાવવામાં આવશે.
સિવિલ હોસ્પિટલમાં અત્યારે 145 જેટલા કેમેરા લગાવવામાં આવેલા છે
આ અંગે વધુમાં જણાવતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ(Civil Superintendent) નિયતી લાખાણીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં અત્યારે 145 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે. જોકે કમ્પાઉન્ડમાં વધુ કેમેરા આઉટસાઇડ તેમજ અંદરની સાઈડના બિલ્ડિંગમાં જયાં પ્રાયોરિટી છે ત્યાં લગાવવામાં આવશે. જે માટે અમે તજવીજ હાથ ધરી છે. આગામી બેથી ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન નવા 196 કેમેરા લગાવવામાં આવશે. એટલે કે સિવિલ કેમ્પસમાં 340થી વધુ કેમેરા ટોટલ થશે. સીસીટીવી કેમેરાથી સિવિલને કોર્ડન કરવામાં આવશે. જેથી સિવિલમાં દરેક ગતિવિધિઓ પર નજર રહેશે. આ ઉપરાંત સિવિલ કેમ્પસમાં ચારે બાજુ લાઇટિંગ કરવામાં આવશે. ઘણી જગ્યાઓ પર સિવિલમાં અંધારું જોવા મળતું હોય છે. ત્યારે તમામ જગ્યાને લાઇટિંગ રાત્રી દરમિયાન કરવામાં આવશે.