ગાંધીનગર: ગાંધીનગરના કલોલમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. હિંમતલાલ પાર્કમાં એક જ સોસાયટીમાંથી 6 લોકોના કોરોના કેસ પોઝિટિવ આવ્યા છે. અગાઉ પણ આ સોસાયટીમા રહેતા લોકો સંક્રમિત થયેલા છે.
ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના વધુ 14 કેસ પોઝિટિવ, જિલ્લાનો આંકડો 111 પર પહોંચ્યો - corona cases in india
કોરોના વાઇરસે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પગપેસારો કરતા કલોલનું હિંમતલાલ પાર્ક જોખમી પરિસ્થિતિમાં આવી ગયું છે. એક જ સોસાયટીમાંથી 6 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની સાથે જ વાવોલ, ઝુંડાલ, છાલા અને રાંધેજા સહિત સમગ્ર ગાંધીનગરમાં એક દિવસમાં 14 કેસ વધી ગયા છે.
આજે જે લોકોનો રિપોર્ટ આવ્યો છે તેમાંં એક 52 વર્ષીય મહિલા છે. જેમના પતિ અને પુત્ર સંક્રમિત થયેલા છે. તે ઉપરાંત 50 વર્ષીય પુરૂષ, 27 વર્ષીય મહિલા, 60 વર્ષીય પુરૂષ, 52 વર્ષીય મહિલા અને 29 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે.
જ્યારે વાવોલમાં યુવક બાદ તેના પરિવારમાં રહેતા બે લોકો સંક્રમિત થયા છે. રોયલ બંગ્લોઝમાં રહેતા 60 વર્ષીય પુરૂષનો અને માણસા તાલુકાના બદપુરામાં રહેતી 24 વર્ષીય યુવતી પોઝિટિવ આવી છે. ઝુંડાલ ગામમાં એક સાથે ત્રણ કેસ સામે આવ્યા છે. જેમાં 10 વર્ષની કિશોરી, જ્યારે 64 વર્ષીય પિતા અને 35 વર્ષીય પુત્ર સંક્રમિત થયા છે. જ્યારે રાંધેજા શિવશક્તિ નગરમાં રહેતો 25 વર્ષીય યુવક સંક્રમિત થયો છે, જે આલમપુર એપીએમસીમાં કામ કરે છે. જ્યારે છાલા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી 24 વર્ષીય નર્સ કોરોના પોઝિટિવ આવી છે.
આમ, ગાંધીનગર જિલ્લામાં આજે વધુ 14 કેસ સામે આવતા જિલ્લાનો આંકડો 111 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી સુધી 6 લોકોના મોત થયા છે. તે ઉપરાંત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બે શંકાસ્પદ વ્યક્તિઓના મોત થયા છે જેમાં કુડાસણમા 60 વર્ષીય મહિલા અને વિજાપુરનાં 60 વર્ષિય પુરૂષનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. હજુ સુધી આ બંને લોકો કોરોના પોઝિટિવ હતા કે નહીં તે રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.