ગુજરાત

gujarat

By

Published : Dec 28, 2019, 5:20 PM IST

ETV Bharat / state

તીડગ્રસ્ત વિસ્તારોમાં કુલ 133 ટીમોએ મળીને મોટી સંખ્યામાં તીડનો નાશ કર્યો: પૂનમચંદ પરમાર

ગાંધીનગર : બનાસકાંઠાના અલગ-અલગ વિસ્તારોમાં તીડનું આક્રમણ છે. ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ટીમ દ્વારા નિયંત્રણ માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે રાજ્યના કૃષિ અગ્ર સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે, બનાસકાંઠાના ખેડૂતોને હવે તીડના આક્રમણથી ચિંતાનું કોઈ કારણ નથી. તીડના મોટા ટોળાં પર નિયંત્રણ મેળવી લેવાયું છે. કેટલીક જગ્યાએ નાના-નાના ટોળા છે. તેને પણ નિયંત્રણ કરી લેવાશે.

gandhinagar
ગાંધીનગર

તીડના આક્રમણને લઇને પરમારે વધુમાં જણાવ્યું હતું કે, મોટા ભાગના તીડનો નાશ થઈ ગયો હોવાથી તે અન્યત્ર જવાની શક્યતાઓ પણ નથી. રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારમાં થયેલા તીડના આક્રમણના કારણે ખેડૂતોના પાકને નુકશાન તથા સર્જાયેલી વિકટ સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે સઘન આયોજન કરી યુધ્ધના ધોરણે કામ કર્યું છે. જેમાં સફળતા પૂર્વક તીડનું નિયંત્રણ કરી શકાયું છે.

બનાસકાંઠા તીડગ્રસ્ત વિસ્તારોમાં 133 ટીમોએ મોટી સંખ્યામાં તીડનો નાશ કર્યો

કૃષિ વિભાગ તરફથી ખેતી નિયામક સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપદ્રવગ્રસ્ત વિસ્તારમાં રહી ક્ષણ- ક્ષણનું આયોજન કરી સફળતા પૂર્વક નિયંત્રણ મેળવી શકાયું છે. રાજ્ય સરકારની 117 ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર ટીમો અને કેન્દ્ર સરકારની 16 ટીમો મળી કુલ 133 ટીમો દ્વારા તીડ નિયંત્રણ કામગીરી દ્વારા મોટા ભાગના તીડનો નાશ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના 13 તાલુકાના 122 ગામો, મહેસાણા જિલ્લાના 1 તાલુકાના 5 ગામો, પાટણ જિલ્લાના 2 તાલુકાના 4 ગામો, સાબરકાંઠા જિલ્લાના 1 તાલુકાના 1 ગામ મળી કુલ 4 જિલ્લાના 17 તાલુકાના 132 ગામોમાં તીડની હાજરી જોવા મળી હતી. તેના લોકેશન ટ્રેક કરી આ તમામ વિસ્તારોમાં તીડ નિયંત્રણની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઇ હતી.

તા.25 ડિસેમ્બરના રોજ થરાદ તાલુકામાં જોવા મળેલું મોટું ટોળું હવે નિયંત્રણ હેઠળ છે. તીડનો મોટો જથ્થો નિયંત્રણ કરી લેવાયો છે. બાકીનું ટોળું પવનની દિશાના કારણે રાજસ્થાનના સાંચોર તરફ ફંટાયું હતું. ત્યાં પણ ભારત સરકારની ટીમો પહોંચી છે. તેમજ નિયંત્રણની કામગીરી શરૂ કરાવી દેવામાં આવી છે. મેલાંથીઓન દવા 96% અને કલોરો પાયરી ફોસ નામની દવા મળી કુલ 5000 લીટર જેટલો જથ્થો વપરાયો છે.

પરમારે વધુમાં જણાવ્યું હતું કે, હવે ધાનેરા, ડીસા, પાલનપુર વિસ્તારમાં નાના-નાના ટોળા છે. જેને નિયંત્રિત કરી લેવાશે. તેમજ આગામી દિવસોમાં પણ તીડ જ્યાં જ્યાં જોવા મળશે. ત્યાં તમામ પ્રકારના સંસાધનોનો ઉપયોગ કરી તીડનું નિયંત્રણ કરી લેવામાં આવશે. તીડથી પાકને થયેલા નુકસાન અંગે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સર્વની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details